મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

વ્યાપાર સંબંધો તોડવાની સજા

પાકિસ્તાનમાં વિવિધ દવાઓની તીવ્ર અછત

કેન્સર - ટીબીના દર્દીઓ હેરાન - પરેશાન

ઈસ્લામાબાદ તા.૧૯: કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યા પછી ભારત સાથે વ્યાપારીક સંબંધો તોડી ચુકેલા પાકિસ્તાનમાં કેન્સર - ટીબી જેવી દવાઓનું સંકટ શરૂ થઇ ગયુ છે.

પાકના વેપારી સંગઠને ચેતવણી આપી છે કે ભારતથી આયાતના નિયમ હળવા નહિ બનાવાય તો જીવન રક્ષક દવાઓ અને બીજી જીવન જરૂરી ચીજોની અછત સર્જાશે. જેના લીધે તેના ભાવો ભડકે બળશે. પાકિસ્તાની અખબાર ડોન  અનુસાર ઉદ્યોગ સંગઠન એમ્પ્લોયર્સ ફેડરેશન ઓફ પાકિસ્તાન (ઈએફપી)એ કહ્યુ છે કે ભારતમાંથી કાચો માલ અથવા તૈયાર ઉત્પાદનના રૂપે આયાત થતી જીવન રક્ષક દવાઓ બજારમાં ખલાસ થઇ શકે છે.

આને જોતા વૈકલ્પિક સ્ત્રોતની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ભારતમાંથી આયાત થોડીક છુટછાટ અપાવી જોઇએ. ઈએફપીએ એરપોર્ટ અને બંદરો પર પહોંચી ચુકેલી ભારતીય વસ્તુઓને બજારમાં વેચવાની છુટ આપવાની અપીલ કરી છે.

સંગઠનોએ કહ્યુ  છે કે જે સોદાઓ મંજુર થઇ ગયા છે. અને જે વાધા - અટારી બોર્ડર અથવા જહાજ દ્વારા ભારતથી પાકિસ્તાન આવવાનો છે. તે માલને પણ ન રોકવામાં આવે. વાણીજ્ય મંત્રાલયમાં વાણીજ્ય નીતીના મહાનિર્દેશકને લખાયેલ પત્રમાં લાહોર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ માંગણી કરી છે કે રેલવે અથવા જહાજ દ્વારા આવી રહેલા માલને ન રોકવામાં આવે નહીંતર તેમને ભયંકર નુકશાન થશે.

સંગઠનનુ કહેવુ છે કે જે ઉત્પાદનો પહેલા જ હવાઇ મથકો અને બંદરો પર પહોચી ચુકયા છે. તેમને સ્થાનીક બજારોમાં વેચાવા દેવા જોઇએ. ઈએફપીના ઉપાધ્યક્ષ જાકી અહમદખાને શનિવારે કહ્યુ કે જીવન રક્ષક દવાઓ બનાવવા માટે પાકની કંપનીઓએ ભારતથી જે ઔષધીય તત્વોની આયાત કરી છે તેનો ઉપયોગ કરવાની છુટ આપવી જોઇએ. (૧૭.૩)

(11:39 am IST)