મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

અર્થતંત્રને દોડાવવા આવે છે રાહત પેકેજઃ નાના લોનધારકોના દેવા માફ થશે

મોદી સરકાર ટૂંક સમયમાં મોટા અને ચોંકાવનારા ફેંસલાઓ લેવાની છેઃ ટેક્ષમાં રાહત અને નોકરી બચાવવા જેવા ફેંસલાઓની શરૂઆત એકાદ દિવસમાં થશેઃ સરકારી ખર્ચમાં કાપ મુકી ૭૫૦૦૦ કરોડ બચાવવા યોજનાઃ નાના લોનધારકોની લોન માફ કરવાની પણ યોજનાઃ કુલ ૧૦,૦૦૦ કરોડ ખર્ચાશે

નવી દિલ્હી, તા. ૧૯ :. આર્થિક સુસ્તીના આ દોરમાં અર્થતંત્રને પાટા પર લાવવા માટે મોદી સરકાર ટૂંક સમયમાં મોટા અને ચોંકાવનારા નિર્ણયો લઈ શકે છે. ટેક્ષમાં રાહત અને નોકરી બચાવવાના આ નિર્ણયોની શરૂઆત મોટાભાગે આજથી શરૂ થાય તેવી શકયતા છે. આમ તો સંકટનો સામનો કરી રહેલા ઉદ્યોગને પેકેજનો સંકેત અગાઉથી જ મળી ચૂકયો છે પરંતુ સરકાર આનાથી અટકવાની નથી. પીએમઓના સૂત્રોના જણાવ્યા પ્રમાણે નિર્ણયો એ હેતુથી લેવાશે કે પાંચ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી બનાવવાના લક્ષ્યાંકમાં કોઈ અવરોધ ઉભો ન થાય. પુરેપુરા સંકેતો છે કે ઉદ્યોગોમાં છવાયેલા ચિંતાના વાદળો હટાવવાની દિશામાં ખુદ પીએમ હસ્તક્ષેપ કરશે. તેઓ દેશ અને વિદેશી રોકાણકારોમા ભરોસો લાવવા માટે તેમની સાથે સંવાદ પણ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહત પેકેજ બાદ તુરંત બાદ મહત્વના ફેંસલાઓ લેવાશે. જેમાં સરકારી ખર્ચમાં કાપ મુકવાની બાબત પણ સામેલ હશે. આ ઉપરાંત સરકાર આર્થિકરૂપથી નબળા વર્ગોને રાહત આપવા માટે નાના લોનધારકોની લોન માફ કરવાની જાહેરાત કરે તેવી પણ શકયતા છે.

સૌથી પહેલા પ્રધાનો અને અધિકારીઓની બીનજરૂરી સુવિધાઓ અને તેમના રોજીંદા ખર્ચમાં કાપ મુકાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે સ્પષ્ટ કર્યુ છે કે કલ્યાણકારી યોજના માટે ફંડની અછત વર્તાવા નહિ દેવાય. સૂત્રોના કહેવા મુજબ અન્ય ઉપાયોમાં સૌથી મોટો ફેંસલો ટેક્ષ સુધારાનો હશે જે ગેમ ચેન્ઝર સાબિત થશે. નોકરી બચાવવા માટે સરકાર ઉદ્યોગને અનોખુ પેકેજ આપવામાં આવે તેવી શકયતા છે.

સરકાર આમ આદમીની સાથે ઉદ્યોગને પણ ટેક્ષમાં રાહત આપે તેવી શકયતા છે. ઉદ્યોગોને અલગથી પેકેજ આપીને જોબ બચાવાશે. સરકાર બે વર્ષમાં સરકારી ખર્ચમાં કાપ મુકી ૭૫૦૦૦ કરોડ બચાવવા માગે છે. સરકાર આર્થિક રીતે નબળા વર્ગના નાના લોનધારકોની લોન માફ કરવાની યોજના પર પણ કામ કરી રહી છે. આ યોજના પાછળ ૧૦,૦૦૦ કરોડ ખર્ચાશે.

કોર્પોરેટ મામલાના સચિવ શ્રીનિવાસે જણાવ્યુ હતુ કે, આર્થિક દ્રષ્ટિથી નબળા વર્ગના નાના લોનધારકો માટે પ્રસ્તાવિત લોનમાફીની શરતોને લઈને ઉદ્યોગો સાથે ચર્ચા થઈ છે. આ યોજના દેવાળીયા કાનૂન હેઠળ થશે. આ કાનૂન હેઠળ અનેક નિયમો અને શરતો છે. જેમાં એક એ પણ છે કે દેવાદારની વાર્ષિક આવક ૬૦,૦૦૦થી વધુ ન હોવી જોઈએ અને તેની સંપત્તિ ૨૦,૦૦૦થી વધુ ન હોવી જોઈએ. કોઈપણ વ્યકિત પાસે ઘર હોય તો તેને લાભ નહિ મળે. ગામડાના અને નાના લોકોને આનાથી ફાયદો થશે. દેવામાફી બાદ પાંચ વર્ષ સુધી બીજી વખત કોઈપણ વ્યકિત લાભ નહિ લઈ શકે.

(4:17 pm IST)