મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટતા ભારે તબાહી

મોટી સંખ્યામાં લોકો લાપત્તા થતાં તંત્ર ચિંતિત : ટોન્સ નદી વિકરાળ સ્વરુપમાં : બચાવ ટીમ સક્રિય થઇ

દહેરાદૂન, તા. ૧૮ : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાના કારણે ભારે તબાહી થઇ છે. શિમલા સાથે જોડાયેલી સરહદની પાસે ભારે વરસાદ વચ્ચે અનેક લોકો લાપત્તા થયા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ આ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે અનેક લોકો પાણીમાં ડુબી ગયા છે. અલબત્ત વહીવટીતંત્ર દ્વારા આને માત્ર ભારે વરસાદ સાથે થયેલી ઘટના તરીકે ગણાવી રહ્યા છે. ઉત્તરકાશીના અધિકારીઓના કહેવા મુજબ ભારે વરસાદના લીધે અનેક મકાનોને ભારે નુકસાન થયું છે. ઉત્તરકાશીના મોરી તાલુકા, આરાકોટ અને ટિકોચી સહિતના વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટનાથી હાલત કફોડી બની ગઈ છે. મકાનો સુધી પાણી ભરાઈ ગયા છે. અધિકારીઓની ટુકડી કાફલા સાથે પહોંચી રહી છે. તમામ વિસ્તારોમાંથી અસરગ્રસ્ત લોકોને સુરક્ષિતરીતે બહાર કાઢવા એસડીઆરએફ, આઈટીબીટી અને રેડક્રોસની ટુકડી પહોંચી ચુકી છે. લાપત્તા થયેલા લોકોને શોધી કાઢવા માટેનું ઓપરેશન ચાલુ રહ્યું છે. એનડીઆરએફની ટુકડી પણ ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામીગરીમાં વ્યસ્ત છે. આઈટીબીટી અને એસડીઆરએફની ટુકડીઓ પણ બચાવ કામગીરીમાં લાગેલી છે. અનેક મકાનો ટોન્સ નદીના પાણીના પ્રવાહમાં તણાઈ જતાં મોટી ખુવારી થઇ હોવાના અહેવાલ મળ્યા છે પરંતુ આને સમર્થન મળી રહ્યું નથી. ઉત્તર કાશીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ અટવાયેલા હોવાથી તંત્રની ચિંતા વધી ગઈ છે.

    વહેલીતકે સુરક્ષિત લોકોને કાઢવાના પ્રયાસો થઇ રહ્યા છે. ઉત્તરકાશી જિલ્લામાં અને શહેરમાંભારે વરસાદ થયો છે. ટોન્સ નદીમાં વિકરાળ ચિત્ર જોવા મળી રહ્યું છે. પાણીના પ્રવાહમાં મોટી સંખ્યામાં મકાનો તણાતા લોકો પણ પાણીમાં તણાયા હોવાના અહેવાલ મળ્યા છે.

(12:00 am IST)