મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

શાનદાર મોનસુનથી બમ્પર પાકની ઉજળી બનેલ આશા

સોના-ચાંદી અને વાહનોની માંગમાં વધારો થશે : અર્થવ્યવસ્થાને સપોર્ટ મળી શકે : ખેડૂતોની આવક વધશે ઓગસ્ટ માસમાં સામાન્ય કરતા ૩૫ ટકા વધારે વરસાદ

નવી દિલ્હી, તા. ૧૮ : મોનસુનની સિઝનમાં દેશના જુદા જુદા રાજ્યોમાં પુરની સ્થિતિ સર્જાયેલી છે પરંતુ શાનદાર મોનસુનના પરિણામ સ્વરુપે બમ્પર પાક થવાની આશા જાગી છે જેના પરિણામ સ્વરુપે સોના અને વાહનોની માંગમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. મોનસુનની સિઝનમાં બાકી અવધિમાં ખેતીવાડી માટે સાનુકુળ માહોલ સર્જાયેલો છે. જળાશયોમાં ભારે વરસાદથી પુરતા પ્રમાણમાં પાણી આવી ચુક્યું છે. ખરીફ પાક વાવણીમાં તેજી આવી ચુકી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આ વર્ષે સારા મોનસુનના પરિણામ સ્વરુપે અનાજનું રેકોર્ડ ઉત્પાદન થઇ શકે છે. આવું થવાની સ્થિતિમાં અર્થવ્યવસ્થાને ખુબ ટેકો મળશે. કારણ કે, આનાથી ખેડૂતોની આવક વધશે. તહેવારની સિઝનમાં મોટાપ્રમાણમાં વાહનો અને સોના ચાંદીની ખરીદી થઇ શકે છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ સામાન્યની સરખામણીમાં ૩૫ ટકા વધારે રહ્યો છે. જેના લીધે ખરીફ પાકની વાવણીમાં વધારો થયો છે. જળાશયોમાં છેલ્લા ૧૦ વર્ષની સરખામણીમાં આ વર્ષે ૨૫ ટકા વધારે પાણી છે જેથી ખેતીવાડીને લઇને ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ રહ્યું છે. જૂન મહિનામાં ચિત્ર ખુબ ખરાબ દેખાઈ રહ્યું હતું તે વખતે વરસાદ સામાન્યની સરખામણીમાં એક તૃતિયાંશ કરતા પણ ઓછો રહેવાના લીધે સરકારી અધિકારીઓ દુકાળની સ્થિતિને લઇને રાહતોના પાસા ઉપર વિચારી રહ્યા હતા. જળાશયોમાં પાણી ખુબ ઓછુ હતું. જળાશયોમાં પાણીના સ્તરના સીધા સંબંધ મોનસુન બાદ પીવાના પાણીની જરૂરિયાત, સિંચાઈ અને વિજળી ઉત્પાદન સાથે રહે છે. હવે ખરીફ પાકમાં ઉત્પાદન ખુબ શાનદાર રહેવાની શક્યતા છે. આનાથી ખેડૂતોની આવક વધશે. તહેવારની સિઝન દરમિયાન માંગમાં વધારાને ધ્યાનમાં લઇને વાહનો, સોના ચાંદી, કન્ઝ્યુમ ગુડ્ઝના વેચાણમાં વધારો થશે. ગયા વર્ષે પણ રેકોર્ડ અનામજ ઉત્પાદન થયું હતું. આ વર્ષે પણ રેકોર્ડ ઉત્પાદનની આશા દેખાઈ રહી છે. છેલ્લા ૩૦ દિવસના ગાળામાં વાવણીમાં થયેલા ઘટાડામાં હવે ભરપાઈની સ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં અનાજની વાવણીમાં પ્રમાણમાં સ્થિતિ સંતોષજનક નથી પરંતુ ઓગસ્ટ મહિનાના અંત સુધી આ કમી પણ દૂર થવાના સંકેત દેખાઈ રહ્યા છે. કૃષિ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા આંકડા મુજબ કોટનમાં વાવણીની પ્રક્રિયા ૫.૬ ટકા વધારે છે. પાકની કુલ વાવણી ગયા વર્ષની સરખામણીમાં ચાર ટકા રહી ગઈ છે. જૂનમાં ૧૨.૫ ટકાના ઘટાડાની સામે આ સ્થિતિ ખુબ સારી છે.

બમ્પર પાકની આશા...

*    મોનસુની વરસાદમાં તેજીના લીધે ખેતીવાડીમાં સાનુકુળ સ્થિતિ

*    જળાશયોમાં ભરપુર પ્રમાણમાં પાણીની આવક થઇ

*    ખરીફ પાકની વાવણીની પ્રક્રિયા તીવ્ર કરાઈ

*    અર્થવ્યવસ્થાને જોરદાર સપોર્ટ મળવાની સંભાવના

*    ખેડૂતોની આવક વધવાથી તહેવારની સિઝનમાં જોરદાર ખરીદીનો માહોલ જામશે

*    ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતા ૩૫ ટકા વધારે વરસાદ

*    જળાશયોમાં છેલ્લા ૧૦ વર્ષની સરખામણીમાં ૨૫ ટકા વધુ વરસાદ થયો

*    કૃષિ મંત્રાલયના આંકડા મુજબ જુદા જુદા પાકની વાવણીમાં ઉલ્લેખનીય વધારો થયો

*    શાનદાર મોનસુનના લીધે બમ્પર પાક થવાની આશા ઉજળી

(12:00 am IST)