મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

બંગાળમાં ભાજપને વધુ પડતો આત્મવિશ્વાસ મોંઘો પડયોઃ સુવેન્દુ અધિકારી

રાજકોટઃ પશ્ચિમ  બંગાળ વિધાનસભા ચુંટણીમાં બીજેપીની હારને લઇને નેતા વિપક્ષ સુવેંદુ અધિકારીએ મોટુ નિવેદન આપ્યું છે. સુવેંદુ અધિકારીએ રવીવારના કહયું કે બીજેપીના અનેક નેતાઓના ઓવર કોન્ફીડન્સથી બંગાળમાં પાર્ટીની હાર થઇ, કેમ કે આવા નેતાઓનું માનવુ હતું કે બંગાળમાં પાર્ટીને ૧૭૦ થી વધારે સીટો મળશે. બીજી તરફ ટીએમસીએ સુવેંદુના દાવા પર કટાક્ષ કરતા કહયું કે બીજેપી ભ્રમમાં હતી કેમ કે તેના અનેક નેતાઓએ ભવિષ્યવાણી કરી હતી કે ભગવા જુથ ર૦૦ થી વધારે સીટો પાર કરશે.

પૂર્વ મેદિનીપુર જિલ્લાના ચાંદીપુર વિસ્તારમાં રવિવારના બીજેપીની બેઠક થઇ હતી. બેઠકમાં સુવેંદુ અધિકારીએ કહ્યું કે, અનેક નેતાઓના અતિ આત્મવિશ્વાસના કારણે પેદા થઇ રહેલી જમીની સ્થિતિને સમજવામાં અસફળ રહ્યાં. તેમણે કહયું કે, અમે વિધાનસભા ચૂંટણીના પહેલા ર તબકકામાં સારૂ પ્રદર્શન કર્યુ. આવામાં અમારા અનેક નેતા અહંકાર અને ઓવરકોન્ફિડન્સમાં આવી ગયા હતાં. તેમણે વિશ્વાસ કરવાનું શરૂ કરી દીધું હતું કે, બીજેપી ચૂંટણીમાં ૧૭૦-૧૮૦ સીટો મેળવીને રહેશે, પરંતુ તેમણે જમીન સ્તરે કામ ના કર્યુ, જે પાર્ટીને  મોંઘું પડયું.

અધિકારીએ કહયું કે, જમીન સ્તરે કામ ચાલુ રાખવું એટલું જ મહત્વપૂર્ણ છે જેટલૂં લક્ષ્ય નકકી કરવું, જે વાસ્તવિક હતું. પરંતુ સખ્ત મહેનતની જરૂર હતી. અધિકારીના દાવા પર જવાબ આપતા તૃણમૂલ કોંગ્રેસના પ્રવકતા કુણાલ ઘોષે કહ્યું કે, સુવેંદુ અધિકારી મમતા બેનર્જી તરફથી સામાજિક કલ્યાણ યોજનાઓ અને વિકાસની એક લહેરને સરળતાથી ભૂલી ગયા. જનાદેશ બીજેપીના દિગ્ગજોની વિરૂધ્ધ ગયો છે, જેઓ સતત સીએમ અને ટીએમસીની વિરૂધ્ધ અભિયાન ચલાવી રહ્યા હતાં.

કુણાલ ઘોષે બીજેપી પર કટાક્ષ કરતા કહયું કે બીજેપી ભ્રમમાં રહી હતી કેમ કે તેના અનેક નેતાઓએ ભવિષ્યવાણી કરી હતી કે ભગવા જુથ ર૦૦ સીટોને પાર કરી જશે તેઓ બીજાઓ સાથે ભુલ કેમ કરી રહયા છે? શું સુવેંદુએ પણ વારંવાર આ દાવો નથી કર્યો કે તેમની પાર્ટીને ઓછામાં ઓછી ૧૮૦ સીટો મળશે.

(4:00 pm IST)