મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

૪૦ ભારતીય પત્રકારોનાં ફોનની જાસુસી કેસમાં સ્વતંત્ર તપાસની શશિ થરૂરની માંગણી

ભારત સરકારે આવું કર્યું કે પછી કોઇ વિદેશી સરકાર ભારતીય ફોન ટેપ કરી રહી છે : કોંગ્રેસના સાંસદના પ્રહારો

નવી દિલ્હી,તા. ૧૯: કોંગ્રેસ સાંસદ શશિ થરૂરએ પેગાસસ પ્રોજેકટમાં સામે આવેલા ૪૦ ભારતીય પત્રકારોના ફોનની જાસૂસી કેસમાં સ્વતંત્ર તપાસની માંગ કરી છે. ફોરબિડન સ્ટોરીજ, એમનેસ્ટી ઈન્ટરનેશનલ અને લગભગ ૧૬ મીડિયા સંસ્થાઓએ મળીને ખુલાસો કર્યો છે કે દુનિયાભરમાં સરકારોએ પત્રકારો, મંત્રીઓ અને અધિકારીઓની જાસૂસી માટે ઇઝરાઇલી કંપની NSOના સ્પાઇવેયર પેગાસસનો ઉપયોગ કર્યો. કિવટને આપેલા ઈન્ટરવ્યુમાં ડો. શશિ થરૂરે કહ્યું કે, આ કેસ ગંભીર ચિંતાનો વિષય છે. તેમને કહ્યું, 'આ ચિંતાનો વિષય છે કેમ કે અમે એક લોકશાહી છીએ, અહીં અભિવ્યકિતની આઝાદી છે, તમે તે કયારેય વિચારી શકો નહીં કે સરકાર પત્રકારોના કામમાં હસ્તક્ષેપ કરી રહી છે.' થરૂરે કહ્યું કે, કેટલાક ખુબ જ ગંભીર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે કે, આ સોફ્ટવેરને મોકલનારા લોકો કેવી રીતે કામ કરી રહ્યાં હતા.શશિ થરૂરે કહ્યું- મને ખબર નથી કે સરકારે આવું કરવા માટે કોઈ જવાબદારી લીધી છે કે નહીં. NSOનો દાવો છે કે તેઓ માત્ર સરકારોને જ વેચે છે. એવામાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે, શું ભારત સરકારે આવું કર્યું કે પછી કોઈ વિદેશી સરકાર ભારતીય ફોન ટેપ કરી રહી છે?

થરૂરે કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષામાં જાસૂસીના કેટલાક અપવાદ અમે દેખ્યા છે, આની એક ઔપચારિક પ્રક્રિયા હોય છે. રિવ્યૂ કમેટીથી અનુમતિ લેવાની હોય છે, પરંતુ એકટના સેકશન ૪૩માં હેકિંગ સ્પષ્ટ રૂપથી પ્રતિબંધિત છે. તેમને કહ્યું- 'જો પત્રકારોના ફોનમાં પેગાસસ મોકલવામાં આવ્યો છે તો તે નિશ્ચિત રૂપે ગેરકાયદેસર છે.'

આઈટી પર સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ, શશિ થરૂરની માગ છે કે આ કેસની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. થરૂરે સુપ્રીમ કોર્ટે જજ દ્વારા તપાસની માંગ કરતાં કહ્યું- 'તે સ્પષ્ટ થઇ રહ્યું છે કે આ કેસની સ્વતંત્ર તપાસની જરૂરત છે, કદાચ સુપ્રીમ કોર્ટના જજ દ્વારા જેના પાસે ન માત્ર સાક્ષીઓને બોલાવવાની શકિત હશે, પરંતુ ન્યાયિક રીતે પુરાવાઓને જોવાની શકિત પણ હશે.'

(3:57 pm IST)