મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

સુરતમાં એક જ રાતમાં સાંબેલાધાર ૮ ઇંચ વરસાદ ખાબકયો

લોકોના ઘરમાં પાણી ઘુસ્યાઃ સમગ્ર શહેર પાણી-પાણીઃ અનેક પરિવારોને રેસ્ક્યુ કરાયા

સુરત તા. ૧૯: સુરતમાં ગઇકાલે રાતે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાડ્યુ હતુ અને માત્ર એક જ રાતમાં ૮ ઇંચ જેટલો વરસાદ પડતા સમગ્ર શહેર પાણી-પાણી થઇ ગયુ હતુ. ભારે વરસાદના કારણે અનેક લોકોના ઘરમાં પાણી ભરાઇ ગયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઇ જતા અનેક પરિવારોને રેસ્કયુ કરવામાં આવ્યા હતા. મેયરે રાત્રે જ વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ રાહતકાર્યોની સૂચના આપી હતી.

સુરતમાં ભારે વરસાદના કારણે અનેક વિજ થાંભલા અને વૃક્ષો ધસી પડ્યા હતા. ભારે વરસાદના કારણે શહેરના જનજીવનને અસર થઇ હતી. અનેક વિસ્તારોમાં ઘુંટણ સુધીના પાણી જોવા મળ્યા હતા. શહેર નજીકના સણીયા અને હેમાદ ગામ બેટમાં ફેરવાઇ ગયા હતા. રસ્તા પર ૫ થી ૬ ફુટ પાણી ભરાઇ ગયુ છે. એક બસ ફસાઇ જતા તેમાં બેઠેલા લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા હતા.

શહેરમાં રવિવારે સાંજે ૬ થી આજે સવાર ૬ સુધીના ૧૨ કલાકમાં ૮ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાતભર તંત્ર દોડતુ રહ્યુ હતુ. સુરત ઉપરાંત બારડોલી, કામરેજ, પલસાણા, મહુવા તાલુકામાં પણ નદી-નાળા છલકાઇ ગયા હતા.

(3:27 pm IST)