મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

ખુશખબર! પેટ્રોલના ભાવમાં આવી શકે છે ઓગષ્ટથી ઘટાડો

OPEC અને બિન ઓપેક દેશો કાચા તેલનું ઉત્પાદન વધારશે

નવી દિલ્હી, તા.૧૯: દેશની સામાન્ય પ્રજાને વહેલી તકે જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી મુકિત મળી શકે છે. રવિવારે ઓપેક સમૂહ સાથે થયેલી બેઠક બાદ આશા છે કે પેટ્રોલ જલ્દી જ સસ્તુ થઈ શકે છે. આ બેઠકમાં પૂર્ણ સમહતિ સધાઈ ગઈ છે. જેના અંતર્ગત OPEC અને બિન ઓપેક દેશો કાચા તેલનું ઉત્પાદન ઓગસ્ટ મહિનાથી વધારવા પર સહમત થઈ ગયા છે. અગાઉ આ દેશો વચ્ચેના વિવાદોના કારણે તેલની કિંમત પર મોટી અસર થઈ હતી.

તેલ ઉત્પાદક અને નિકાસ કરનાર દેશોના સંગઠન અને તેના સાથે ઉત્પાદક દેશોની એક ઓનલાઇન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એક સંયુકત નિવેદનમાં આ જણાવવામાં આવ્યું છે કે કુવૈત, રશિયા, સાઉદી અરબ, યુએઈમાં તેલ ઉત્પાદનની સીમા વધારવામાં આવી છે. રશિયા ઓપેકનું સહયોગી છે.

અહેવાલ મુજબ ઓપેક દેશોએ જણાવ્યું હતું કે ઓગસ્ટથી ઉત્પાદનમાં દર મહિને દૈનિક ૪ લાખ બેરલનો વધારો કરવામાં આવશે. અત્યારે લાગુ ૫૯ લાખ બેરલની પ્રતિદિન ઘટને ધીરે ધીરે ૨૦૨૨ના અંત સુધીમાં સમાપ્ત થઈ જશે. આ નિર્ણય બાદ ૨ મિલિનય બીપીડી ઉત્પાદન બહાલ કરવામા આવશે.

ઓનલાઇન બેઠક પર સંયુકત અરબ અમીરાતના ઉર્જા મંત્રી સુહૈલ અલ મજરૂઈએ પત્રકારોને એક મહત્ત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે હાલમાં એક સહમતિ સધાઈ છે. સાઉદી અરબના ઉર્જા મંત્રી શાબજાદા અબ્દુલ અજીજે જણાવ્યું કે સંઠગન વચ્ચે ઉત્પાદન સીમા અંગે સમઆયોજન થશે. ઓપેકના નિવેદનમાં પાંચ દેશોમાં ઉત્પાદનનું સ્તર વધારવા પર સંમતિ સધાઈ છે.

નવી સેટ કરેલી નીતિઓ હેઠળ યુએઈ મે ૨૦૨૨ થી દરરોજ ૩.૫ મિલિયન બેરલનું ઉત્પાદન કરી શકશે. અહેવાલો અનુસાર, યુએઈ અગાઉ પોતાના માટે ૩.૮ મિલિયન બેરલ પ્રતિ દિવસના ઉત્પાદનની મર્યાદા માંગી રહ્યુ હતુ. એ જ રીતે સાઉદી અરબ દૈનિક ઉત્પાદન મર્યાદા ૧૧૦૦ મિલિયન બેરલથી વધારીને ૧૧.૫ મિલિયન બેરલ કરવામાં આવશે. રશિયાની ઉત્પાદન મર્યાદા પણ સમાન રહેશે. ઇરાક અને કુવૈતની દૈનિક ઉત્પાદન મર્યાદામાં વધારો આના કરતાં થોડો ઓછો હશે.

(3:18 pm IST)