મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

કોરોના વચ્ચે નવી આફત !

ચીનમાં જીવલેણ મંકી બી વાયરસની એન્ટ્રીથી હાહાકાર

આ વાયરસ ખૂબ જ ઘાતક છે : સંક્રમિત થયા બાદ મૃત્યુદરની ટકાવારી ૭૦ થી ૮૦ ટકા છે : આ વાયરસની ઓળખ ૧૯૩૨માં થઇ હતી : સીધા સંપર્કમાં આવવાથી તે ફેલાય છે

બેઈજિંગ તા. ૧૯ : કોરોના વાઇરસ મહામારીને લઈને ચીન વિશ્વના નિશાને છે. ચીન પર મહામારીને ફેલાવવાનો આરોપ લાગ્યો છે. હવે આ બધાની વચ્ચે ચીનમાં મંકી બી વાઇરસની એન્ટ્રી થઈ ગઈ છે. આ વાઇરસ ખૂબ જ ઘાતક છે કારણ કે, આનાથી સંક્રમિત થયા બાદ મૃત્યુદરની ટકાવારી ૭૦થી ૮૦ ટકા છે.

એક અંગ્રેજી વેબસાઈટ મુજબ, ચીનના બેઈજિંગ સ્થિત એક પશુ ચિકિત્સકમાં મંકી બી વાઇરસની પુષ્ટિ થઈ છે. ચીનમાં આ વાઇરસથી વ્યકિત સંક્રમિત થવાનો પહેલો કેસ સામે આવ્યો છે. મંકી બી વાઇરસથી આ પશુ ચિકિસ્તકનું મૃત્યું થઈ ગયું છે. જો કે, એના સંપર્કમાં આવેલા લોકો આ વાઇરસથી સુરક્ષિત છે.

વાત એમ છે કે, બેઈજિંગમાં ૫૩ વર્ષીય એક પુરૂષ પશુ ચિકિત્સકે આ જ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં બે મૃત વાંદરાઓની સર્જરી કરી હતી. આ પશુ ચિકિત્સક નોન હ્યુમન પ્રાઈમેટ્સ પર સંશોધન કરતી સંસ્થામાં કામ કરતો હતો.

વાંદરાઓની સર્જરી કર્યાના એક મહિના બાદ પશુ ચિકિત્સકના શરીરમાં ફેરફાર જોવા મળ્યાં. તેનામાં ગભરામણ થવું અને ઉલ્ટી જેવા પ્રાથમિક લક્ષણો જોવા મળ્યાં હતાં. ચીન CDC વીકલી ઈંગ્લીશ પ્લેટફોર્મ ઓફ ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને શનિવારે આ વાતનો ખુલાસો કર્યો હતો.

જેમાં કહેવાયું છે કે, પશુ ચિકિત્સકે અનેક હોસ્પિટલમાં સારવાર માટે વલખાં માર્યા, પરંતુ અંતે ૨૭ મેનાં રોજ તેનું મોત થઈ ગયું. ચીનમાં આ પહેલાં કોઈ ઘાતક કે ચિકિત્સકીય રૂપે સ્પષ્ટ મંકી બી વાઇરસ સંક્રમણનો કેસ ન હતો. આવામાં ચીનમાં સામે આવેલો મંકી બી વાઇરસનો આ પહેલો માનવ સંક્રમણનો કેસ છે.

સંશોધનકર્તાઓએ એપ્રિલ મહિનામાં પશુ ચિકિત્સકના સેરેબ્રોસ્પિનલ ફલૂઈડને એકત્ર કર્યું હતું અને તેનામાં મંકી વાઇરસ (BV) પોઝિટિવ જોવા મળ્યો. જો કે, તેના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં પરંતુ તેઓ નેગેટિવ જોવા મળ્યાં. આ વાઇરસની ઓળખ ૧૯૩૨માં થઈ હતી. આ વાઇરસ સીધા સંપર્કમાં આવવાથી અને શારીરિક સ્ત્રાવોના આદાન પ્રદાનના માધ્યમથી ફેલાય છે. મંકી બી વાઇરસથી સંક્રમિત દર્દીઓનો મૃત્યુદર ૭૦થી ૮૦ ટકા છે.

આ પત્રિકામાં એવી પણ સલાહ આપવામાં આવી છે કે, વાંદરાઓમાં ગ્સ્ વાઇરસ ખતરો ઊભો કરી શકે છે. આ વાઇરસને ખતમ કરવો અને ચીનમાં પ્રયોગશાળા દેખરેખ તંત્રને વધારે મજબૂત કરવાની જરૂર છે.

(11:38 am IST)