મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

હોસ્‍પિટલના પાંચમે માળે ચડી ગઇ રીક્ષા : વોર્ડ બહાર નીકળી ગયા દર્દીઓ

રીક્ષા પાંચમાં માળ સુધી પહોંચી ગઇ પરંતુ હોસ્‍પિટલ સ્‍ટાફને તેની જાણ પણ ના થઇ : દર્દીઓ માટે બનેલા રેંપની મદદથી રીક્ષા પહેલા માળેથી પાંચમા માળે લઇ ગયો રીક્ષા ચાલક, પાંચમાં માળે નિર્માણ કામ ચાલતું હોવાથી સામાન લઇને આવી હતી રીક્ષા

જબલપુર,તા.૧૯: : મધ્‍ય પ્રદેશના છિંદવાડા જિલ્લાની હોસ્‍પિટલના પાંચમે માળે રીક્ષા ચડી જવાની અજીબ ઘટના સામે આવી છે. રીક્ષાનો અવાજ સાંભળીને વોર્ડમાં રહેલા દર્દીઓ પણ ભાગદોડ કરવા લાગ્‍યા હતા. હોસ્‍પિટલના પાંચમાં માળે નિર્માણ કામ ચાલુ હતું, જેમાં દર્દીઓ માટે બનાવેલા રેંપના સહારે રીક્ષા ચાલક રીક્ષાને સીધો પાંચમા માળે લઇ ગયો.

જિલ્લા હોસ્‍પિટલના પહેલા માળેથી પાંચમાં માળે સુધી બનેલા રેંપ પર ઓટો રીક્ષાને ચાલતાં જોઇ કેટલાક દર્દીઓ ગભરાઇ ગયા હતા, પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે પહેલે માળથી પાંચમે માળ રીક્ષા પહોંચી ગઇ એની જાણકારી હોસ્‍પિટલના સ્‍ટાફને પણ ન હોતી. અહીં સુધી કે સુરક્ષા ગાર્ડે રીક્ષાને રોકવાનો પ્રયત્‍ન પણ નથી કર્યો. જોકે આ દરમિયાન એક દુર્ઘટના ઘટતા બચી ગઇ હતી કારણ કે રીક્ષા રેંપના એક એંગલમાં ફસાઇ ગઇ હતી, જે પછી ગાર્ડને અહેસાસ થયો અને તેણે રીક્ષાને હોસ્‍પિટલમાંથી બહાર કરી હતી.

હોસ્‍પિટલના પાંચમે માળે માલ ઉતારી પાછા ફરતી વેળાએ રીક્ષા રેંપના એંગલમાં ફસાઇ ગઇ હતી. જે પછી મહા મહેનતે તેને કાઢવામાં આવી હતી.

ચિંતાનો વિષય એ હતો કે જે સમયે રીક્ષા રેંપના સહારે છેક પાંચમાં માળે પહોંચી ત્‍યારે હોસ્‍પિટલમાં ઓપીડી સમય હતો અને મોટા પ્રમાણમાં દર્દીઓ હાજર હતા. આ દરમિયાન કોઇ દુર્દ્યટના થતી તો મોટુ નુકસાન પહોંચવાની આશંકા હતી. જોકે હવે રીક્ષા ચાલક સામે પણ કાર્યવાહીની તૈયારી કરવામાં આવી રહી છે.

(10:24 am IST)