મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

ત્રણ સપ્તાહ પછી ત્રીજી લહેર : કારણ ચૂંટણી નહિ ભીડ હશે

આઈસીએમઆરની ચેતવણીઃ હજુ બીજી લહેર ચાલુ છે ત્યાં લોકો બેપરવાહ બન્યાઃ ઠેર-ઠેર અનિયંત્રિત ભીડ થવા લાગીઃ રસીકરણ પૂર્વે જ બધુ ખુલી જતા ત્રીજી લહેર ત્રાટકશે : બીજી લહેરનું મુખ્ય કારણ ચૂંટણીઓ અને સતર્કતા નિયમોનું ઉલ્લંઘન કારણ હતુઃ આ વખતે લોકો બેફીકર બની ટહેલવા લાગ્યા છેઃ હજુ રસીકરણ પુરૂ નથી થયું

નવી દિલ્હી, તા. ૧૯ :. કોરોના મહામારીની ત્રીજી લહેર બે કે ત્રણ સપ્તાહ પછી ત્રાટકી શકે છે. આની પાછળ જવાબદાર ભીડ હશે નહિ કે બીજી લહેરની જેમ કોઈ રાજ્યની કોઈ ચૂંટણી. આઈસીએમઆરના વડા ડો. સમીરન પાંડાએ આ આશંકા વ્યકત કરતા કહ્યુ છે કે ઓગષ્ટથી દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.

તેમણે વિશ્લેષણના આધાર પર આશંકા જણાવી છે કે આગામી લહેરમાં રોજના કેસમાં લગભગ ૫૦ ટકાનો વધારો થઈ શકે છે. ઓગષ્ટમાં આવનારી લહેર દરમિયાન રોજ ૧ લાખથી વધુ કેસ સામે આવી શકે છે.

જો કે બીજી લહેરની તુલનામાં તે ઘણી ઓછી હશે કારણ કે મે મહિનામાં દેશમાં રોજ ૪ લાખથી વધુ કેસ નોંધાતા હતા. વર્તમાન સ્થિતિ જોઈએ તો સરેરાશ ૪૦થી ૪૫ હજાર કેસ રોજ આવે છે. આ હિસાબથી નિષ્ણાંતોએ ત્રીજી લહેરમાં કોરોનાના નવા કેસમાં ૫૦ ટકા વૃદ્ધિનું અનુમાન વ્યકત કર્યુ છે.

ડો. પાંડાએ કહ્યુ છે કે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને કોવિડ સતર્કતા નિયમોનું ઉલ્લંઘન બીજી લહેરનું મોટુ કારણ હતુ. આ વખતે પણ લોકો બેપરવાહ થઈ ગયા છે, અનિયંત્રીત ભીડ અને રસીકરણ પુરૂ થયા પહેલા બધુ ખોલવાની આઝાદી ત્રીજી લહેરનું મુખ્ય કારણ બની શકે છે.

આ પહેલા કોરોના રસી પર બનેલી પેનલના વડા ડો. વી.કે. પોલે પણ કહ્યુ હતુ કે દેશ માટે આવતા ૧૦૦ થી ૧૨૫ દિવસ કપરા છે. ડો. પાંડાનું માનવુ છે કે પ્રજાનો સાથ ન મળવાને કારણે કોરોનાનો ગ્રાફ વચમાં જ અટકી ગયો છે. ઉતાર-ચઢાવ ભરી આ સ્થિતિએ દેશને એવી સ્થિતિમાં લાવી દીધો છે જ્યાંથી નવી લહેર આવી શકે છે.

નિષ્ણાંતોનું કહેવુ છે કે હજુ પણ મોડુ નથી થયું. જો લોકો નિયમોનું ધ્યાન રાખે અને બીજાને નિયમોનું પાલન કરવા જણાવે તો સ્થિતિ સુધરી શકે છે.

જન સ્વાસ્થ્ય નિષ્ણાંત ડો. ચંદ્રકાંત લહરીયાએ કહ્યુ છે કે હજુ પણ દેશ બીજી લહેરથી બહાર નિકળવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ જો લોકોએ સાથ નહિ આપ્યો તો તેમાથી બહાર આવતા પહેલા જ દેશમાં ત્રીજી લહેર પ્રવેશી જશે.

(3:19 pm IST)