મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

કોરોનાકાળઃ શ્રીમંતો લઈ રહ્યા છે મોંઘીદાટ કારઃ મધ્‍યમ વર્ગ બચાવે છે પાઈ-પાઈ

સસ્‍તી બાઈકનું ઓછુ વેચાણ જ્‍યારે ૫૦ લાખથી વધુ કિંમતવાળી કારનું વેચાણ ૬૫ ટકા જેટલુ વધ્‍યુઃ મર્સીડીઝની કાર માટે વેઈટીંગ : ૩.૧૫ કરોડથી લઈને ૬.૩૩ કરોડની કિંમતની કાર વેચતી ઈટાલીની લેમ્‍બોર્ગિનીના વેચાણમાં ૨૦ ટકાનો વધારોઃ મધ્‍યમ વર્ગના ૭૮ લોકોએ ખર્ચમાં કાપ મૂકયો

નવી દિલ્‍હી, તા. ૧૯ : કોરોનાની બીજી લહેરે મધ્‍યમ વર્ગ તથા ઓછી આવકવાળા લોકોને ડરાવી નાખ્‍યા છે. તેની અસર તેમના ખર્ચ કરવાની રીત ઉપર જોવા મળી રહી છે. લોકો પાઈ-પાઈ બચાવી રહ્યા છે તો શ્રીમંત લોકો મોટી સંખ્‍યામાં મોંઘીદાટ ગાડીઓ લઈ રહ્યા છે. આ ટ્રેન્‍ડ જાન્‍યુઆરીથી જૂન દરમિયાન કારના વેચાણના આંકડાઓના વિશ્‍લેષણ પરથી જોવા મળે છે.

મહામારીની શરૂઆત પછી લગભગ ૫૦ હજાર રૂા.ની કિંમતવાળી સસ્‍તી બાઈકનું વેચાણ ધીમુ થઈ રહ્યુ છે જ્‍યારે ૫૦ લાખ કે તેથી વધુ કિંમતવાળી લકઝરી કાર ધડાધડ વેચાઈ રહી છે. મર્સીડીઝ બેન્‍ઝ ઈન્‍ડીયાના જણાવ્‍યા પ્રમાણે અમારૂ વેચાણ કોરોના પહેલાની સ્‍થિતિ પર પહોંચી ગયુ છે. જાન્‍યુઆરથી જૂન દરમિયાન કંપનીએ ગયા વર્ષના આ ગાળાના મુકાબલે ૬૫ ટકા વધુ કાર વેચી છે. ડિમાન્‍ડ એટલી છે કે અનેક મોડલ પર લોકોએ એક-એક મહિનાની રાહ જોવી પડે છે.

બીજી તરફ જૂન ૨૦૧૯ની સરખામણીમાં ટુવ્‍હીલર વાહનોનું ૩૦ ટકા ઓછું વેચાણ થયુ છે. કાર પણ ૧૦ ટકા ઓછી વેચાય છે. જૂન ૨૦૧૯ને બેઈઝલાઈન માનવામાં આવે છે કારણ કે આ મહામારીની શરૂઆત પહેલાનો તે મુખ્‍ય મહિનો હતો.

વર્ષ ૨૦૨૧માં થોડો સુધારો જોવા મળ્‍યો પરંતુ હજુ પણ સસ્‍તી બાઈકના વેચાણમાં ૧૩ ટકાનો ઘટાડો નોંધાયો. આ દરમિયાન નાની કારનું વેચાણ પણ ૮ ટકા ઓછુ રહ્યુ હતુ.

૭૮ ટકા લોકોનું માનવુ હતુ કે અમે ખર્ચ પર કાપ મુકયો છે. જ્‍યારે ૪૯ ટકા લોકોએ કહ્યુ હતુ કે આવતા ૩ મહિના સુધી તેઓ પોતાના ખર્ચમાં ઘટાડો ચાલુ રાખશે. લોકો પાસે કમાણી ઘટી છે અને બચત સફાચટ થઈ ગઈ છે. બીજી લહેરને કારણે અનેક લોકોની નોકરી છૂટી ગઈ છે અને પ્રવાસી કામદારો ઘરે પાછા ફરી ગયા છે. એટલુ જ નહિ બિમારીને કારણે બચત સફાચટ થઈ જતા ડિમાન્‍ડને અસર થઈ છે.

૩.૧૫ કરોડથી લઈને ૬.૩૩ કરોડ રૂપિયાની કાર વેંચતી કંપની લેમ્‍બરગીનીના કહેવા મુજબ આ વર્ષે અત્‍યાર સુધી ૨૦૧૯ની સરખામણીમાં ૨૦ ટકા વેચાણ વધ્‍યુ છે.

(10:18 am IST)