મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

શ્રીલંકા સામે ભારતનો 7 વિકેટે પ્રથમ વન ડેમાં વિજય :શિખર ધવને અણનમ 86 રન ફટકાર્યા

ભારતે 36.4 ઓવરમાં 263 રનના લક્ષ્‍યને પાર પાડ્યું : થ્વી શોએ 24 બોલમાં 43 રન કરી મજબૂત શરુઆત કરી : દિપક ચાહર, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી

ભારત અને શ્રીલંકા વચ્ચે ની વન ડે શ્રેણીની પ્રથમ મેચ જીતી લીધી છે. આ સાથે જ શિખર ધવન ની કેપ્ટનશીપ ધરાવતી ટીમ ઇન્ડીયાએ સિરીઝમાં 1-0 થી લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને શ્રીલંકા એ બેટીંગ પસંદ કરી હતી. જોકે શ્રીલંકાએ પ્રથમ બેટીંગ કરતા 263 રનનુ લક્ષ્‍ય 9 વિકેટ ગુમાવીને ભારત સામે રાખ્યુ હતુ. ભારતીય ટીમે  શાનદાર શરુઆત કરી હતી. ડેબ્યૂટન્ટ ઇશાન કિશન અને કેપ્ટન ધવને શાનદાર ફીફટી લગાવી હતી. ભારતે 14 ઓવરની રમત બાકી રાખીને જીત મેળવી હતી.

ભારતે સિરીઝમાં પ્રથમ વન ડેમાં શાનદાર જીત મેળવી હતી. પૃથ્વી શો અને ઇશાન કિશને જીતનો પાયો નાંખ્યો હતો. જેને કેપ્ટન શિખર ધવને પાર પાડવામાં સફળતા મેળવી હતી. ભારતીય બેટ્સમેનોએ શરુઆત થી જ આક્રમક રમત રમી હતી. જેને લઇ ભારતે 36.4 ઓવરમાં 263 રનના લક્ષ્‍યને પાર પાડી લીધુ હતુ.

ભારતીય ટીમે જબરદસ્ત શરુઆત કરી હતી. શ્રીલંકાના લક્ષ્‍યાંક સામે પૃથ્વી શો એ શરુઆત જ બાઉન્ડરીઓ લગાવતી કરી હતી. તેણે 43 રનની ઇનીંગ રમવા દરમ્યાન 9 ચોગ્ગા લગાવ્યા હતા. પૃથ્વી શોએ 24 બોલમાં 43 રન કરી મજબૂત શરુઆત કરી હતી. ત્યાર બાદ ઇશાન કિશને ડેબ્યૂ મેચની શરુઆત પ્રથમ બોલે સિક્સ અને બીજા બોલે ચોગ્ગો લગાવી કરી હતી. તેણે 42 બોલમાં 59 રનની ઇનીંગ રમી હતી. આ દરમ્યાન પથ્વી શોએ 8 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા.

કેપ્ટન શિખર ધવને શાનદાર ઇનીંગ રમી હતી. ધવને 95 બોલમાં 86 રનની કેપ્ટન ઇનીંગ રમી હતી. શરુઆત થી અંત સુધી તે ક્રિઝ પર રહી ટીમને જીત અપાવી હતી. મનિષ પાંડે એ 40 બોલમાં 26 રનની ઇનીંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે 20 બોલમાં 31 રનની ઇનીંગ રમી હતી.

ટોસ જીતીને બેટીંગ કરવાનો દાવ શ્રીલંકાને માટે ખોટો સાબિત થયો હતો. પહેલા બેટીંગમાં ખાસ નહી કરી શકનાર, શ્રીલંકન ટીમ બોલીંગમાં પણ ખાસ કંઇ કરી શકી નહોતી. ધનજ્ય ડી સિલ્વા એ 5 ઓવર કરીને 2 વિકેટ ઝડપી હતી. લક્ષન સંદાકન એ 1 વિકેટ ઝડપી હતી. ઇસુરુ ઉડાના ખર્ચાળ બોલર રહ્યો હતો. તેણે માત્ર 2 જ ઓવર કરી હતી. તેણે 13.50 ની ઇકોનોમી સાથે બોલીંગ કરી હતી. વાનિન્દુ હંસારંગા એ 5 ની ઇકોનોમી સાથે 9 ઓવર કરી હતી.

શ્રીલંકન ટીમના કેપ્ટન દાસુન શાનકાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. શ્રીલંકન ઓપનરો અવિષ્કા ફર્નાન્ડો અને મિનોદ ભાનુકાએ સારી શરુઆત કરી હતી. જોકે બંનેની ભાગીદારી રમત મોટી ઇનીંગમાં બદલી શકાઇ નહોતી. ફર્નાન્ડોએ 35 બોલમાં 32 રનની ઇનીંગ રમી હતી. જ્યારે ભાનુકાએ 44 બોલમાં 27 રનની ઇનીંગ રમી હતી.

ત્યાર બાદ ભાનુકા રાજપક્ષે એ ધુંઆધાર રમતની શરુઆત કરી હતી તેણે 22 બોલમાં 24 રન કર્યા હતા. આ દરમ્યાન તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા. જોકે તે ઝડપ થી રમવાના ચક્કરમાં વિકેટ ગુમાવી બેઠો હતો. ચરિથ અસાલંકા એ 38, કેપ્ટન શનાકાએ 39 રન કરીને બાજી સંભાળી હતી. કરુણારત્ને અણનમ 35 બોલમાં 43 રન કર્યા હતા.

શ્રીલંકન ઓપનરો એ શરુઆત ભારતીય ટીમ પર દબાણ વધારતી કરી હતી. ભૂવનેશ્વર પણ શરુઆતમાં સ્થિતીને હળવી કરવા સફળ રહી શક્યો નહોતો. પરંતુ બોલીંગમાં બદલાવ આવતા જ, યુઝવેન્દ્ર ચહલ ઓપનીંગ જોડીને તોડવામાં સફળ નિવડ્યો હતો. ત્યાર બાદ કુલદીપ યાદવે 2 વિકેટ નજીકના સમયમાં ઝડપતા શ્રીલંકન ટીમ દબાણમાં આવી હતી.

દિપક ચાહર, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા એ 1-1 વિકેટ ઝડપી હતી. હાર્દીક પંડ્યાએ 5 ઓવર કરીને 33 રન આપ્યા હતા. જ્યારે કૃણાલ પંડ્યાએ ભારત તરફ થી સૌથી કરકસર ભરી બોલીંગ કરી હતી. તેણે એક ઓવર મેઇડન કરી હતી. 10 ઓવરમાં 26 રન આપી 2.60 ની ઇકોનોમી થી બોલીંગ કરી હતી.

(12:00 am IST)