મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

કેપ્ટ્ન સામે ખેલાડીએ બાજી મારી : પંજાબ કોંગ્રેસ નવા અધ્યક્ષ તરીકે નવજોતસિંહ સિધ્ધુની નિયુક્તિ

ચાર કાર્યકારી અધ્યક્ષ બનાવાયા : સંગતસિંહ, સુખવિંદર સિંહ ડેની, પવન ગોયલ અને કુલજીતસિંહ નાગરા બન્યા કાર્યકારી અધ્યક્ષ

નવી દિલ્હી :  આખરે પંજાબ કોંગ્રેસના સંકટ વચ્ચે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ નવજોત સિંહ સિદ્ધુને પંજાબ પ્રદેશ પ્રમુખ તરીકે પસંદ કર્યા છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ચાર કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે. આ માટે કેસી વેણુગોપાલ દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યો છે.

રાજ્યમાં ચાર  કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે જેમાં સંગતસિંહ, સુખવિંદર સિંહ ડેની, પવન ગોયલ અને કુલજીતસિંહ નાગરાનો સમાવેશ થાય છે

નવજોતસિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે તે સુનિલ જાખરની જગ્યા લેશે. આ ઉપરાંત સંગતસિંહ ગીજીયાન, કુલજીત નાગરા, પવન ગોયલ અને સુખવિન્દર ડેનીને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને આવી સ્થિતિમાં કોંગ્રેસ હાઈકમાન્ડે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નવજોતસિંહ સિદ્ધુના નામ પર મહોર લગાવી છે. આગામી સમયમાં સિદ્ધુને અનેક પડકારોનો સામનો કરવો પડશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે સિદ્ધુને પંજાબ કોંગ્રેસની કમાન મળશે. એવા અહેવાલો પણ બહાર આવ્યાં છે કે સીએમ અમરિન્દર સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવાના સંભવિત નિર્ણયથી નારાજ છે. પરંતુ આખરે સિદ્ધુ આ મેચ જીતી ગયા છે. રવિવારે પણ કેપ્ટન અમરિંદર સિંહ કેમ્પના સાંસદોની એક બેઠક દિલ્હીમાં કોંગ્રેસના સાંસદ પ્રતાપસિંહ બાજવાના ઘરે પણ મળી હતી. કેપ્ટનની છાવણીના પંજાબ કોંગ્રેસના સાંસદોએ રાજ્યમાં પાર્ટીની કમાન સિદ્ધુ ન આપવાની માંગ કરી હતી.

આ વિવાદની વચ્ચે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ રાજ્યના પ્રધાન સુખીજિંદર સિંઘ રંધાવા સહિત પક્ષના છ ધારાસભ્યો સાથે પટિયાલામાં ધારાસભ્ય મદનલાલના ઘરે પહોંચ્યા હતા. સિદ્ધુએ અગાઉ રાજ્યના કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક પણ કરી હતી. બીજી તરફ, મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે પણ નજીકના પ્રધાનો અને ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજી હતી. જેના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું હતું. આ બંને નેતાઓ વચ્ચેના મતભેદને દૂર કરવા માટે કોંગ્રેસ પાર્ટીના ઘણા મોટા નેતાઓએ આ બંને સાથે વાતચીત પણ કરી છે.

(12:00 am IST)