મુખ્ય સમાચાર
News of Thursday, 19th July 2018

હજુ સુધીમાં ૨૬ અવિશ્વાસ દરખાસ્તો લોકસભામાં રજૂ

૧૯૬૩માં નહેરુ સરકાર સામે પ્રથમ દરખાસ્ત : લોકસભામાં ૧૩ વખત અવિશ્વાસ દરખાસ્ત પર ચર્ચા થઇ છે તેમજ પાંચ વડાપ્રધાનોએ રાજીનામા આપ્યા છે

નવીદિલ્હી,તા. ૧૯ : ૨૦૦૩ બાદ પ્રથમ વખત મોદી સરકારની સામે વિપક્ષની અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવી રહી છે. અવિશ્વાસ પ્રસ્તાવને લઇને રોચક ઇતિહાસ રહેલો છે. હજુ સુધી જુદા જુદા મોકા ઉપર કુલ ૨૬ અવિશ્વાસ દરખાસ્ત લોકસભામાં લાવવામાં આવી ચુકી છે. આવતીકાલે મોદી સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત લવાશે ત્યારે અવિશ્વાસ દરખાસ્તની સંખ્યા વધીને ૨૭ થઇ જશે. સમાજવાદી નેતા આચાર્ય કૃપલાનીએ ૧૯૬૩માં જવાહરલાલ નહેરુની સરકાર સામે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસ પ્રથમ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. આ અવિશ્વાસની દરખાસ્ત ૩૪૭ મતે પડી ગઈ હતી પરંતુ આની સાથે જ દેશમાં અવિશ્વાસ પ્રસ્તાવના ઇતિહાસની શરૂઆત થઇ હતી. સૌથી વધારે અવિશ્વાસ પ્રસ્તાવનો  રેકોર્ડ ઇન્દિરા ગાંધીના નામ ઉપર છે. તેમના ગાળા દરમિયાન ૧૫ વખત અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ૧૯૬૬થી ૧૯૭૫ વચ્ચે ૧૨ વખત અને ૧૯૮૧ અને ૮૨માં ત્રણ વખત તેમની સામે દરખાસ્ત લાવવામાં આવી હતી. હજુ સુધી ત્રણ વખત ૧૯૯૦માં વીપીસિંહ સરકાર, ૧૯૯૭માં દેવગૌડા સરકાર સામે અને ૧૯૯૯માં વાજપેયી સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત પાસ થઇ હતી અને સરકાર ગબડી ગઈ હતી. ૭મી નવેમ્બર ૧૯૯૦ના દિવસે વીપી સિંહની સરકાર સામે તે વખતે વિશ્વાસ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જ્યારે ભાજપે ટેકો પાછો ખેંચી લીધો હતો. સરકારની તરફેણમાં ૧૫૨ અને વિરોધમાં ૩૫૬ મત પડ્યા હતા. આવી જ રીતે સરકાર ગબડી ગઈ હતી. ૧૧મી એપ્રિલ ૧૯૯૭ના દિવસે દેવગૌડા સરકાર વિશ્વાસમત મેળવવામાં નિષ્ફળ રહી હતી. સરકારની તરફેણમાં ૧૯૦ અને વિરોધમાં ૩૩૮ મત પડ્યા હતા. ૧૭મી એપ્રિલ ૧૯૯૯ના દિવસે અટલ બિહારી વાજપેયી સરકાર માત્ર એક મતથી હારી ગઈ હતી. સરકારની તરફેણમાં ૨૬૯ અને વિરોધમાં ૨૭૦ મત પડ્યા હતા. છેલ્લે અવિશ્વાસ દરખાસ્ત ૨૦૦૩માં કોંગ્રેસે વાજપેયીના નેતૃત્વમાં સરકારની સામે રજૂ કરવામાં આવી હતી. આ અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ હતી. કારણ કે, સરકારની તરફેણમાં ૩૨૫ અને વિરોધમાં ૨૧૨ મત પડ્યા હતા. ત્રણ પ્રસંગ એવા રહ્યા છે જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ અથવા તો તેને લોકસભામાં રજૂ કરતા પહેલા રાજીનામુ વડાપ્રધાને આપવાની ફરજ પડી છે.

જુલાઈ ૧૯૭૯માં તત્કાલિન વડાપ્રધાન મોરારજી દેસાઈની સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ હતી. વોટિંગ પહેલા જ મોરારજી દેસાઈએ રાજીનામુ આપ્યું હતું. મોરારજી દેસાઈની સરકારમાં એ વખતે અટલ બિહાર વાજપેયી અને અડવાણી પ્રધાન તરીકે હતા. ૨૦મી ઓગસ્ટ ૧૯૭૯ના દિવસે ચૌધરી ચરણસિંહે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો તે પહેલા રાજીનામુ આપ્યું હતું. ૧૯૯૬માં ૨૮મી મે ૧૯૯૬ના દિવસે વાજપેયીએ અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર મતદાન પહેલા રાજીનામુ આપ્યું હતું. કારણ કે, ભાજપની પાસે સંખ્યાબળ ન હતું. લાલ બહાદુર શાસ્ત્રીની સામે પણ ત્રણ વખત અવિશ્વાસની દરખાસ્ત આવી હતી. ૧૯૬૪માં અને ૧૯૬૫માં બે વખત અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ હતી. હજુ સુધી લોકસભામાં ૧૩ વખત અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઇ છે જેમાં પાંચ વડાપ્રધાનોને રાજીનામુ આપવાની ફરજ પડી છે.

(7:53 pm IST)