મુખ્ય સમાચાર
News of Thursday, 19th July 2018

યુદ્ધમાં માત્ર ૧૧ એરક્રાફટ ગયાં, પણ શાંતિના સમયમાં પ્લેન તૂટયાં ૪૬૫

છેલ્લાં સાડાત્રણ વર્ષમાં એરફોર્સનાં દુર્ઘટનાગ્રસ્ત એરક્રાફટની યાદી જાહેર કરવામાં આવી

નવીદિલ્હી તા.૧૯: દેશમાં એરફોર્સનાં ફાઇટર એરક્રાફટ તુટી પડવાની ઘટનાઓ જાણે કે સામાન્ય થઇ ગઇ છે. ગયા જૂન મહિનામાં બે જેગુઆર અને સુખોઇ એરક્રાફટ તુટી પડયાં હતા. ગઇ કાલે પણ એરક્રાફટનું મિગ-૨૧ એરક્રાફટ હિમાચલ પ્રદેશમાં તુટી પડયું હતું.

જુન અને જુલાઇના બે મહિનામાં ત્રણ ફાઇટર એરક્રાફટ તુટી પડવાની ઘટના તો સામાન્ય છે, પણ જો સુખોઇ અને મિગના ક્રેશ થવાની ઘટનાઓ પર નજર નાખીએ તો ચોંકાવનારા આંકડાઓ સામે આવે છે. લોકસભામાં ગઇ કાલે છેલ્લાં સાડાત્રણ વર્ષમાં એરફોર્સની દુર્ઘટનાનો શિકાર થયેલાં એરક્રાફટની એક યાદી જાહેર કરવામાં આવી હતી.

આ યાદીમાં લાખો રૂપિયાનાં એરક્રાફટ તુટી પડવાના આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યાં જ હતાં, પરંતુ એરક્રાફટની સાથે જ શહીદ થનારા એરફોર્સના અધિકારીઓ અને જવાનોના આંકડાઓ ચોંકાવનારા છે. દેશમાં છેલ્લાં ૪૫ વર્ષમાં ૪૬૫ મિગ એરક્રાફટ તુટી પડયાં છે અને એ પણ દુશ્મન સામે લડયા વિના જ. યુદ્ધના મેદાનમાં તુટી પડનારાં એરક્રાફટની સંખ્યા માત્ર અગિયાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૯૪૬ મિગ એરક્રાફટમાંથી બે ૧૯૬૫ની લડાઇમાં, આઠ ૧૯૭૧ની લડાઇમાં અને એક ૧૯૯૯માં કારગિલની લડાઇમાં ક્રેશ થયું છે.

એરફોર્સનાં આઠ સુખોઇ એરક્રાફટ પણ ક્રેશ થઇ ચૂકયાં છે. હેલિકોપ્ટર્સમાં ચેતક અને MI-17 જેવાં હેલિકોપ્ટર ક્રેશ થઇ ચૂકયાં છે એક MI-17 હેલિકોપ્ટર તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયું હતું. ૨૦૧૭ના માર્ચમાં પણ રાજસ્થાનમાં એક હેલિકોપ્ટર તુટી પડયું હતું.

બચેલાં એરક્રાફટમાંથી કેટલાંક સરકાર દૂર કરવા વિચારી રહી છે, જયારે ૧૩૮ મિગ-૨૧ અપગ્રેડ કર્યા બાદ ૨૦૨૨ સુધી ઉડાડવામાં આવશે. મિગના સ્થાને સરકાર HAL દ્વારા તૈયાર કરવામાં આવેલા તેજસને લાવવાની વાત કરી રહી છે. જો કે હાલમાં તેજસ પણ વિવાદમાં સપડાયું છે. (૧.૫)

(11:41 am IST)