મુખ્ય સમાચાર
News of Thursday, 19th July 2018

અવિશ્વાસ પ્રસ્તાવ થકી વિપક્ષ બતાડશે એકતા

વિપક્ષ પણ માને છે કે, પ્રસ્તાવનું સુરસુરીયુ થવાનું છે પણ...

નવી દિલ્હી તા. ૧૯ :..  કોંગ્રેસનું માનવું છે કે એનડીએના લોકસભાના સંખ્યા બળને જોતા અવિશ્વાસ પ્રસ્તાવની અસર મોદી સરકાર પર ભલે ન પડે પણ તેનાથી વિરોધ પક્ષની એકતાની છબી સ્પષ્ટ થશે. એનડીએ વિરૂધ્ધ વિપક્ષી ગઠબંધનની છબી સ્પષ્ટ થવામાં કોંગ્રેસને પોતાનો રાજનૈતીક ફાયદો દેખાઇ રહ્યો છે.

આજ કારણે વિપક્ષી ટીમ પોતાનું સંખ્યાબળ ન હોવા છતાં સરકાર વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર થવા બાબત ઉત્સાહી છે. યુપીએ અધ્યક્ષ સોનીયા ગાંધીએ કદાચ એટલે જ ઉત્સાહમાં વિપક્ષ પાસે સંખ્યા બળ ન હોવાના સવાલ સામે સવાલ પુછયો હતો કે કોણે કહ્યું કે અમારી પાસે સંખ્યાબળ નથી. જો કે કોંગ્રેસ જ નહીં વિપક્ષના દરેક પક્ષને લોકસભાના આંકડા બાબતે કોઇ શંકા નથી. અવિશ્વાસ પ્રસ્તાવમાં વિપક્ષની કઇ પાર્ટી કઇ બાજુ છે તે જાણવામાં બધાને રસ છે.

કોંગ્રેસને આશા છે કે સપા, તેદેપા, દ્રમુક, રાજદ, કોંગ્રેસ, ડાબેરી પક્ષો, ઝારખંડ મુકિત મોરચા જેવા પક્ષો તો અવિશ્વસ પ્રસ્તાવને ટેકો આપશે જ. પણ બીજુ જનતા દળ, અન્ન દ્રમુક, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ જેવા પક્ષો અવિશ્વાસ પ્રસ્તાવ પર શુ કરશે તે જાણવું દિલચશ્પ બનશે. કોંગ્રેસનું માનવું છે કે આમાંથી કેટલાક પક્ષો સીધા સરકાર વિરૂધ્ધ જવાના બદલે વોકઆઉટ કરીને પોતાનું રાજકારણ ખુલ્લુ રાખવાનો દાવ ખેલશે.

જો બીજુ જનતા દળ આવું કરશે તો કોંગ્રેસને ઓરીસ્સાના રાજકારણમાં ભાજપા અને બીજદ વચ્ચે સાંઠગાંઠ હોવાનો પ્રચાર કરવાની તક મળશે. ચાર મહીના પહેલા સુધી એનડીએના ઘટક તરીકે રહેલી તેલુગુ દેશમ પાર્ટીએ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને વિપક્ષી ટોળીમાં છે તેવું સ્પષ્ટ કર્યુ છે. આ જ રીતે ટીઆરએસ જો વિપક્ષોને સમર્થન નહી આવે તો ચંદ્રશેખર રાવના કોંગ્રેસ વગરના વિરોધ પક્ષના રાજકારણમાં પંકચર પાડવામાં વિપક્ષો કસર નહીં છોડે.

કોંગ્રેસ આ તકનો વડાપ્રધાન મોદી પર જ નહીં પણ તેની સરકાર વિરૂધ્ધ પ્રહારો કરવા માટે ભરપુર ઉપયોગ કરશે. અવિશ્વાસ પ્રસ્તાવ, પર બધા દળોને એકઠા કરવાના કામમાં લાગેલા કોંગ્રેસના એક ઉચ્ચ નેતાએ કહ્યું કે સરકારને કઠેડામાં ઉભા કરી શકે તેવા ગંભીર મુદાઓ જનતા સુધી બરાબર પહોંચ્યા જ નથી.

એટલે જ અવિશ્વાસ પ્રસ્તાવમાં મોકો મળશે જેમાં રાફેલ ડીલ, ભ્રષ્ટાચાર, રોજગારીના વાયદામાં નાકામયાબી, કાળા નાણા, મોબ લીચીંગની ઘટનાઓ, બંધારણીય સંસ્થાઓનો અનાદર, રાજકીય ખરીદીના સહારે રાજય સરકારો બનાવવી જેવા મુદાઓના આધારે મોદી વિરૂધ્ધ બોલાશે. કોંગ્રેસ એ પણ જાણે છે કે મોદી પોતાની લાક્ષણીક શૈલીમાં જવાબી હૂમલો કરશે. તે છતાં પણ વિપક્ષો અવિશ્વાસ પ્રસ્તાવને પોતાના ફાયદામાં એ રીતે ગણે છે કે તેના લીધે પોતાની વાતો જનતા સુધી પહોંચશે. અને આવતી ચૂંટણી પહેલાં અત્યારે જે રાજનૈતિક વિચારધારા એક તરફી દેખાઇ રહી છે તેની દિશા બદલી શકાશે. (પ-૧૦)

(11:39 am IST)