મુખ્ય સમાચાર
News of Thursday, 19th July 2018

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ : જોકે બહુમતીનું ગણિત મોદી સરકારના પક્ષમાં

ભાજપ - સાથી પક્ષોનું સંખ્યાબળ ૩૧૦નું છે : બહુમતી માટે ૨૬૮ જોઇએ

નવી દિલ્હી તા. ૧૯ : સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ નરેન્દ્ર મોદી સરકાર સામે ટીડીપી દ્વારા લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તને ચર્ચા અને મતદાન માટે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને સ્વીકારી લીધી છે. ટીડીપી દ્વારા રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્તને કોંગ્રેસ સહિતના મોટા ભાગના વિરોધ પક્ષોએ ટેકો જાહેર કર્યો છે. જોકે તેમ છતાં કેન્દ્ર સરકાર અવિશ્વાસ પ્રસ્તાવથી ચિંતિત નથી જણાઈ રહી. કારણકે લોકસભામાં વિરોધ પક્ષની તુલનામાં કેન્દ્ર સરકાર પાસે બહુમતિ છે.અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાની તારીખ નક્કી થયા બાદ હવે સૌની નજર એ પાર્ટીઓ ઉપર મંડાયેલી છે જે NDA સરકારમાં સહયોગી પક્ષ હોવા છતાં સરકારને આંખ દેખાડી વારંવાર ડરાવી રહી છે. જોકે શિવસેનાએ જણાવ્યું છે કે, તે કેન્દ્ર સરકારની સાથે છે.

૫૪૫ સદસ્યો ધરાવતી લોકસભામાં હાલમાં ૫૩૫ સાંસદો છે. એટલે કે ભાજપને બહુમતી મેળવવા માટે ૨૬૮ સદસ્યોની જરૂર છે. હાલમાં ભાજપના ૨૭૩ સભ્યો છે. આ ઉપરાંત ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાના ૧૮, LJPના ૬, અકાલી દળના ૪ અને અન્ય ૯ સભ્યો છે. આમ કુલ સંખ્યા ૩૧૦ સુધી પહોંચી રહી છે. આવા સંજોગોમાં ભાજપને સરકાર બચાવવા માટે કોઈ સમસ્યા નડશે તેમ નથી જણાઈ રહ્યું.

જોકે, મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જયારે ભારતીય જનતા પાર્ટી તેના વર્તમાન સાંસદોમાંથી અનેકની ટિકીટ કાપવાના મૂડમાં છે. એવા સાંસદો જેમને પોતાની ટિકીટ કપાવવાનો પુરો વિશ્વાસ છે તેમના વલણને લઈને સરકારને ચિંતા હોઈ શકે છે. જોકે પાર્ટી દ્વારા આ અંગે વ્હીપ જારી કરવામાં આવ્યું છે.(૨૧.૭)

(10:30 am IST)