મુખ્ય સમાચાર
News of Saturday, 19th June 2021

ઇન્ડિયા He છે કે She? : રાહુલ ગાંધીના એક ટ્વીટથી સોશિયલ મીડિયા પર ધમાસાણ : ટ્વીટર વોર છેડાયો

રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘ઈન્ડિયા રિમેમ્બર્સ હર ફ્લાઈંગ શીખ.’ આ મુદ્દે ટ્વીટર ટ્રોલર્સએ બરાબરની રમખાણ મચાવી

નવી દિલ્હી : દેશના મહાન એથલીટ મિલ્ખા સિંહનું શુક્રવારે રાતે કોરોનાના કારણે અવસાન થયું હતું અને દેશની અનેક હસ્તિઓએ ટ્વીટરના માધ્યમથી તેમના અવસાન પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારે બીજી બાજુ રાહુલ ગાંધી પોતાની ટ્વીટને લઈને ટ્રોલનો શિકાર બન્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘ઈન્ડિયા રિમેમ્બર્સ હર ફ્લાઈંગ શીખ.’ આ મુદ્દે ટ્વીટર ટ્રોલર્સ બરાબરની રમખાણ મચાવી રહ્યા છે.

લોકોએ ટ્વીટમાં લખ્યું હતું કે, તેમણે ‘ઈન્ડિયા રિમેમ્બર્સ હીઝ ફ્લાઈંગ શીખ’ એમ લખવું જોઈએ પરંતુ તેમણે ‘હીઝ’ના બદલે ‘હર’ લખીને ઈન્ડિયાનું જેન્ડર બગાડી નાખ્યું. લોકો તેમના અંગ્રેજીની મજાક ઉડાડતા ઉડાડતા શશિ થરૂર સુધી પહોંચી ગયા હતા.

કોઈ દેશનું જેન્ડર નિર્ધારિત ન કરી શકાય. તે એ દેશના નિવાસીઓ પર નિર્ભર કરે છે કે તેઓ પોતાના દેશને કયા જેન્ડરનો માને છે. આમ પણ અંગ્રેજીમાં પોતાના દેશની જમીનને મધર લેન્ડ એટલે કે માતૃભૂમિ કહે છે. જોકે જર્મની એવો દેશ છે જે પોતાને ફાધર લેન્ડ કહેવડાવવાનું પસંદ કરે છે. હવે ભારત કે ઈન્ડિયાનું જેન્ડર શું છે તે કોઈ પૂર્વ નિર્ધારિત નિયમ નથી. સામાન્ય બોલચાલની ભાષામાં દેશવાસીઓ ભારત દેશને ભારત માતા કહેવાનું પસંદ કરે છે. તે સિવાય એવા અનેક વિદેશી સેલિબ્રિટી છે જેમણે પોતાની દીકરીનું નામ ઈન્ડિયા રાખ્યું છે.

જેએનયુ ખાતે ઈંગ્લિશના પ્રોફેસર ડૉ. ધનંજય સિંહના કહેવા પ્રમાણે, ‘સામાન્ય રીતે બીજા દેશોમાં આવા સંબોધનમાં ‘ઈટ્સ’નો ઉપયોગ થાય છે પરંતુ ભારતના સંદર્ભમાં કોઈ એવું નથી કરતું. જોકે મારા મતે ‘ઈટ્સ’ જ સાચું છે. પરંતુ જો કોઈ ‘હર’નો ઉપયોગ કરે તો પણ તેને ભારતની માન્યતાઓ પ્રમાણે લઈ શકાય, જ્યાં દેશનું સ્ત્રીકરણ કરવામાં આવ્યું છે પરંતુ તે ગ્રામરથી અલગ ચર્ચાનો મુદ્દો છે.’

ડીયુમાં ઈંગ્લિશ વિભાગના વરિષ્ઠ પ્રોફેસરના કહેવા પ્રમાણે હિંદીમાં દેશ મૈસ્કુલાઈન એટલે કે પુરૂષવાચક છે ત્યાં કન્ટ્રી ફેમિનિન એટલે કે સ્ત્રી સૂચક છે. તેના બીજા પાસામાં ઈન્ડિયા લખતી વખતે મધર ઈન્ડિયાની ધારણા છે માટે તે ખોટું ન કહી શકાય. પરંતુ જો ઈન્ડિયાના બદલે નેશન શબ્દનો ઉપયોગ કરવામાં આવે તો ‘હીઝ’નો પ્રયોગ ઉચિત રહેત. બાકી ભારત માતાના સંદર્ભમાં ‘હર’નો ઉપયોગ ખોટો ન માની શકાય.

(8:12 pm IST)