મુખ્ય સમાચાર
News of Tuesday, 19th June 2018

ભારત-પાકિસ્તાન-ચીને પરમાણુ શસ્ત્રોની સંખ્યા વધારી

સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટીટયુટનો રીપોર્ટઃ ચીન પાસે ૨૮૦, ભારત પાસે ૧૩૦થી ૧૪૦ અને પાકિસ્તાન પાસે ૧૪૦થી ૧૫૦ પરમાણુ શસ્ત્રો મોજુદ છેઃ અમેરિકા પાસે ૬૪૮૦ અને રૂસ પાસે ૬૮૫૦ પરમાણુ શસ્ત્રોઃ ચીન અને પાકિસ્તાનમાં પરમાણુ શસ્ત્રોની હોડઃ ભારત જડબાતોડ જવાબ આપવાની નીતિને વરેલુ છે

નવી દિલ્હી, તા. ૧૯ :. એશિયાના ૩ મોટા લશ્કરી તાકાત ધરાવતા ચીન, ભારત અને પાકિસ્તાને છેલ્લા એક વર્ષમાં પોતાના પરમાણુ શસ્ત્રોના ભંડારમાં નોંધપાત્ર વધારો કર્યો છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટીટયુટના એક રીપોર્ટ અનુસાર એશીયાના આ ત્રણ દેશોએ પોતાના પરમાણુ વેપન ડીલીવરી સિસ્ટમને વધુ ચોક્કસ કરી છે- મજબુત બનાવી છે એટલુ જ નહિ પોતાના પરમાણુ શસ્ત્રોની સંખ્યા પણ વધારી છે. આ દેશોએ હવે ઉન્નત અને નાના પરમાણુના શસ્ત્રો તરફ આગળ વધવાનું નક્કી કર્યુ છે. પરમાણુ શસ્ત્રોની સંખ્યાના મામલામાં પાકિસ્તાન હજુ પણ ભારત કરતા આગળ છે. ભારતનું જોર એવા કોઈ પરમાણુ હુમલા દરમિયાન ખુદને બચાવી રાખી વળતી કાર્યવાહી ક્ષમતા વધારવા ઉપર છે અને અહીંના રક્ષા પ્રતિષ્ઠાનોનું માનવુ છે કે તેનો આ કાર્યક્રમ સાચા ટ્રેક પર છે.

ઈન્સ્ટીટયુટના જણાવ્યા પ્રમાણે એશીયા મહાદ્વીપમાં આ ઝડપ એવા સમયે આવી છે કે જ્યારે પશ્ચિમી દેશોમાં પરમાણુ શસ્ત્રોને લઈને સ્થિરતા છે. રીપોર્ટ અનુસાર પરમાણુ શસ્ત્રોની સંખ્યા ચીને વધારીને ૨૮૦ કરી છે. જે ગયા વર્ષે ૨૭૦ હતી. ચીને ગયા વર્ષે પોતાની આર્મી પાછળ ૨૨૮ અબજ ડોલર ખર્ચ કર્યો હતો જે અમેરિકાના ૬૧૦ અબજ ડોલર પછી સૌથી વધારે છે.

રીપોર્ટ અનુસાર બે વિરોધી રાષ્ટ્રો ભારત અને પાકિસ્તાને ગયા વર્ષે પોતાના પરમાણુ શસ્ત્રોની સંખ્યામા વધારો કર્યો છે. આ બન્ને દેશોએ પરમાણુ શસ્ત્રો માટે જમીન, હવા અને દરીયાથી છોડવામાં આવતા મિસાઈલોનો વિકાસ કર્યો છે. ભારત અને પાકિસ્તાને છેલ્લા એક વર્ષમાં પોતાના જથ્થામાં ૧૦ - ૧૦ પરમાણુ શસ્ત્રો વધાર્યા છે.

સંસ્થાના જણાવ્યા પ્રમાણે ભારત પાસે અત્યારે ૧૩૦ થી ૧૪૦ અને પાકિસ્તાન પાસે ૧૪૦ થી ૧૫૦ પરમાણુ શસ્ત્રો છે. જો કે કોઈપણ પરમાણુ શસ્ત્રોને મિસાઈલમાં લગાવવામાં આવ્યા નથી. અત્રે એ નોંધનીય છે કે ભારત પહેલા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ નહિ કરવાની નીતિનું પાલન કરી રહ્યુ છે. આ બધાથી વિપરીત અન્ય પરમાણુ શસ્ત્રથી સંપન્ન દેશોએ કાં તો વોર હેડની સંખ્યા ઘટાડી છે કે પછી તેને સ્થિર રાખી છે. અમેરિકાએ પોતાના પરમાણુ શસ્ત્રોની સંખ્યા ૬૮૦૦થી ઘટાડીને ૬૪૮૦ કરી દીધી છે. આ જ રીતે રૂસએ પણ પરમાણુ શસ્ત્રોની સંખ્યાને ૭૦૦૦થી ઘટાડી ૬૮૫૦ કરી દીધેલ છે. રીપોર્ટ અનુસાર વિશ્વના ૯ પરમાણુ શસ્ત્રો સંપન્ન દેશો પાસે અત્યારે ૧૪૪૬૫ વોર હેડ છે. જે ગયા વર્ષે આંકડો ૧૪૯૩૫નો હતો. આમાથી ૯૨ ટકા હથિયાર રૂસ અને અમેરિકા પાસે છે. હાલમાં જ અમેરિકા સાથે વાતચીત કરનાર ઉત્તર કોરીયા પાસે ૧૦ થી ૨૦ પરમાણુ વેપન મોજુદ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન અને પાકિસ્તાનના ખતરાને જોતા ભારત પાસે પરમાણુ પ્રતિરોધક ક્ષમતા વિકસીત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી કે જે વિશ્વસનીય હોય અને વળતી કાર્યવાહીમાં દુશ્મનને વ્યાપક નુકશાન પહોંચાડવા સક્ષમ હોય. ભારતથી વિપરીત પાકિસ્તાની જાણી જોઈને પોતાની પરમાણુ નીતિને અસ્પષ્ટ રાખી છે. પાકિસ્તાનનો હેતુ પરમાણુની ધમકી આપીને ભારતને કોેઈપણ પ્રકારના પરંપરાગત સૈન્ય પગલુ ઉઠાવવાથી રોકવાનો છે. તે ભારતને સતત રોકતુ રહ્યુ છે. પાકિસ્તાન ચીનની મદદથી પરમાણુ ક્ષમતા વધારી રહ્યુ છે.

સૂત્રોએ જણાવ્યુ છે કે, ભારત માટે પરમાણુ શસ્ત્રો યુદ્ધ લડવાનો હથીયાર નથી પરંતુ આપણે ન્યુત્તમ પરમાણુ પ્રતિરોધક ક્ષમતાની જરૂર છે કે જેથી હુમલા કરતી વેળાએ દુશ્મનને જડબાતોડ ક્ષતિ પહોંચાડી શકાય. એક દાયકા સુધીમાં ભારતના પરમાણુ શસ્ત્રોની સંખ્યા ૨૦૦ની થઈ જશે. ભારત મિસાઈલ અગ્નિ-૫ ને સેનામાં સામેલ કરવા માગે છે. જેની ક્ષમતા ૫૦૦૦ કિ.મી.ની છે. જે ચીનને પણ નિશાના પર લઈ શકે છે.(૨-૨)

(10:39 am IST)