મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

દેશમાં હવે ટીબીના નિદાન માટે આવશે સ્કીન ટેસ્ટ :આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાની જાહેરાત

હવે ટીબીના નિદાન માટે એક નવી પ્રણાલી દાખલ કરવાની સરકારે જાહેરાત કરી

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દેશમાંથી ચેપી રોગ ટીબીનો જડમૂળમાંથી ખાતમો કરવા માગે છે અને તે માટે નવા નવા પ્રોગ્રામ શરુ કરી છે. પહેલા ટીબીના દર્દીઓ માટે કમ્યુનિટી સપોર્ટની યોજના અને હવે ટીબીના નિદાન માટે એક નવી પ્રણાલી દાખલ કરવાની સરકારે જાહેરાત કરી છે. 

 35મી બોર્ડ મિટિંગ ઓફ ધ સ્ટોપ ટીબી પાર્ટનરશીપને સંબોધિત કરતા આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ એવું જણાવ્યું કે ટીબીના નિદાન માટે નવી મંજૂરી મળેલ સ્કીન ટેસ્ટને ટૂંક સમયમાં દેશમાં દાખલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ટીબીના નિદાન માટે સ્કીન ટેસ્ટની કીટ સંપૂર્ણપણે મેડ ઈન ઈન્ડીયાની હશે અને પ્રમાણમાં ઘણી સસ્તી છે જે બીજા દેશોને પણ ખૂબ કામ લાગશે અને તેમનો બોજો હળવો કરશે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે ચાલુ વર્ષમાં જ સરકાર દેશમાં ટીબીના નિદાન માટે c-TB નામનો સ્કીન ટેસ્ટ દાખલ કરશે જેના દ્વારા ટીબીનું સચોટ નિદાન થઈ શકશે.

માંડવિયાએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં આપદામાં અવસર શોધી લેવા માટે ઘણા પહેલ શરુ કરવામાં આવી છે જેમાં કોવિડ સાથે ટીબી ટેસ્ટિંગ, ઘર ઘર ટીબી નિદાન, સબ ડિસ્ટ્રીક્ટ લેવલે રેપિડ મોલેક્યુલર નિદાન સેન્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ, જન આંદોલન, ટીબી સર્વિસનું વિકેન્દ્રીકરણ વગેરે સામેલ છે. 

ટીબી જેવા ચેપી રોગનો સમૂળગો નાશ કરવા માટે વર્ષોથી કેન્દ્ર સરકારે પ્રોગ્રામ ચલાવી રહી છે અને હવે આ દિશામાં સરકારે વધુ એક કાર્યક્રમ હાથ ધર્યો છે. 2025 સુધીમાં દેશમાંથી ટીબીના રોગને જળમૂળથી સફાયો કરવા માટે સરકાર ટૂંક સમયમાં એક પ્રોગ્રામ શરુ કરી રહી છે જે હેઠળ લોકો અને સંસ્થાઓ બ્લોક, વોર્ડ અને દર્દીઓને અંગત રીતે સ્વીકારી શકશે અને ટીબીના દર્દીઓને ન્યૂટ્રીશનલ ટ્રીટમેન્ટ અને વોકેશનલ સપોર્ટ પૂરો પડાશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખ્યો છે. સરકારે પત્રમાં રાજ્યોને જિલ્લા અને બ્લોક લેવલે મિશન મોડમાં ટીબીના દર્દીઓને કમ્યુનિટી સપોર્ટ પૂરો પાડવા માટેની તૈયારીઓ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. 

(8:47 pm IST)