મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

રેલવે કર્મચારીઓને મોટી ભેટ : મોંઘવારી ભથ્થામાં 14 ટકાનો વધારો:૧૦ મહિનાનું એરિયર્સ પણ આપશે

રેલવે બોર્ડનો મોંઘવારી ભથ્થામાં બમ્પર વધારા સાથે 10 મહિનાનું એરિયર આપવાનો પણ નિર્ણય

નવી દિલ્હી : ઘણા લાંબા સમયથી મોંઘવારી ભથ્થાની રાહ જોઇ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે

 રેલવે વિભાગે પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. તેમના મોંઘવારી ભથ્થા (DA)માં બમ્પર વધારા સાથે, 10 મહિનાનું એરિયર આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે

  રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર, આવા રેલ્વે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એકસાથે 14 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે, જેમને હાલમાં 6ઠ્ઠા પગાર પંચ હેઠળ વેતન આપવામાં આવે છે. આ કર્મચારીઓના પગાર સાથે ડીએના વધેલા પૈસા ટૂંક સમયમાં આવવા લાગશે. આ સાથે તેમને 10 મહિનાનું એરિયર પણ આપવામાં આવશે. .

  રેલવેએ તેના કર્મચારીઓને બે વારનું DA એકસાથે વધાર્યુ છે. 14 ટકાના વધારામાં જુલાઈ, 2021 અને જાન્યુઆરી, 2022ના DAનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ હેઠળ પગાર મળતો હતો. રેલવે બોર્ડના આદેશ અનુસાર, આ કર્મચારીઓનો ડીએ જુલાઈ, 2021 માટે 189 ટકાથી વધારીને 7 ટકા વધારા સાથે 196 ટકા કરવામાં આવ્યો છે. આ પછી, જાન્યુઆરી 2022થી તેમાં ફરીથી 7 ટકાનો વધારો કરવામાં આવ્યો અને હવે તે 203 ટકા પર પહોંચી ગયો છે.

કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 7માં પગાર પંચની ભલામણો હેઠળ પગાર ચૂકવવામાં આવે છે, પરંતુ ઘણા રેલવે કર્મચારીઓને માત્ર 6ઠ્ઠા પગાર પંચ હેઠળ જ પગાર મળી રહ્યો છે. આ અસમાનતાને દૂર કરવા માટે રેલવે વિભાગે આ નિર્ણય લીધો છે. રેલવે બોર્ડે આદેશ જારી કરતા પહેલા રેલ્વે મંત્રાલય અને નાણા નિર્દેશાલય પાસેથી મંજૂરી માંગી હતી, ત્યાંથી લીલી ઝંડી મળતાં જ ડીએ વધારવાનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો.

(7:44 pm IST)