મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

હવે વિદેશી ફિલ્મોને ભારતમાં શૂટિંગ માટે 2.5 કરોડ મળશે: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની મોટી જાહેરાત

કેન્દ્રીય મંત્રીએ કાન્સમાં ઈન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું અને ભારતીય પ્રતિનિધિમંડળ સાથે ભારતમાં યોજાનારી 53મી IFFI ગોવાના પોસ્ટરનું અનાવરણ કર્યું

નવી દિલ્હી :કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર હાલમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમની હાજરીમાં દેશને કાન્સમાં ‘કન્ટ્રી ઓફ ઓનર’ એનાયત કરવામાં આવ્યો છે. આજે કાન્સના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભારતમાં વિદેશી ફિલ્મોના શૂટિંગને પ્રોત્સાહન આપવા માટે 2.5 કરોડ સુધીની રકમની જાહેરાત કરી હતી. તેમણે કાન્સમાં ઈન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કર્યું અને ભારતીય પ્રતિનિધિમંડળ સાથે અનુરાગ ઠાકુરે ભારતમાં યોજાનારી 53મી IFFI ગોવાના પોસ્ટરનું અનાવરણ કર્યું.

અનુરાગ ઠાકુરના ઓફિશિયલ હેન્ડલ પર ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. આ પોસ્ટમાં અનુરાગ ઠાકુરે વિડિયો શેર કર્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે “આજે કાન્સમાં મને ભારતમાં ઑડિયો-વિઝ્યુઅલ પ્રોડક્શન અને વિદેશી ફિલ્મોના શૂટિંગ માટે પ્રોત્સાહક સ્કીમની જાહેરાત કરતાં આનંદ થાય છે, જેમાં 260,000 ડોલર્સ સુધીના લીમીટની સાથે સાથે 30 ટકા સુધી રોકડ  પુરસ્કારની  જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય જો આ ટીમમાં 15 ટકા ભારતીય લોકો હશે તો તેમને વધુ 50 લાખ રૂપિયા આપવામાં આવશે. અનુરાગ ઠાકુરની આ જાહેરાતને બધાએ આવકારી છે.

આ ખાસ અવસર પર કાન્સ જેવા આંતરરાષ્ટ્રીય તહેવારોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા બોલિવૂડના ઘણા કલાકારો પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન નવાઝુદ્દીન સિદ્દીકીએ અનુરાગ ઠાકુરના વખાણ કરતા કહ્યું કે, “આ ખૂબ જ આનંદની વાત છે કે તમે આ રીતે સિનેમા વિશે પહેલ કરી રહ્યા છો. આપણા દેશમાં એવી ઘણી વાર્તાઓ છે જે ઘણી સ્થાનિક છે પરંતુ વૈશ્વિક સ્તરે ઘણું કામ કરી શકે છે.” પૂજા હેગડે, દીપિકા પાદુકોણ, આર માધવન અને તમન્નાએ પણ તેમના વિચારો શેર કર્યા. 17 મેથી શરૂ થયેલો આ કાન્સ ફેસ્ટિવલ 28 મેના રોજ સમાપ્ત થશે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ ભારતીય સિનેમા અને ફિલ્મ નિર્માતાઓની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જ્યાં એક તરફ આપણા ફિલ્મ નિર્માતાઓ જૂની વાર્તાઓને ખૂબ કાળજી સાથે સાચવી રહ્યા છે, તો બીજી તરફ તેઓ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દર્શકો સામે તેમની વાર્તા રજૂ કરવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. ભારતીય મનોરંજન ઉદ્યોગ, દર વર્ષે લગભગ 2000 ફિલ્મોનું નિર્માણ કરે છે, તે વિશ્વનો સૌથી મોટો મનોરંજન ઉદ્યોગ છે.

(12:23 am IST)