મુખ્ય સમાચાર
News of Wednesday, 19th May 2021

દરિયામાં ONGCના ૬૩૮ ફસાયા, ૯૩ની શોધખોળ

તાઉતે વાવાઝોડાએ મુંબઈના દરિયામાં તબાહી સર્જી : વિભાગની આગાહી છતાં મોટી સંખ્યામાં લોકો ફસાવવા પર સવાલ, ૯૩ લાઈફ જેકેટ પહેરીને કૂદવા છતાં ગુમ

મુંબઈ, તા. ૧૯ : અરબ સાગરમાં ભારતીય નૌસેનાના જહાજ, હેલિકોપ્ટર્સ પી૩૦૫ બાર્જ પર હાજર ૯૩ લોકોની શોધ હજી પણ ચાલુ છે જે લાઈફ જેકેટ પહેરીને દરિયામાં કૂદી પડ્યા હતા. આ બાર્જ મુંબઈથી લગભગ ૩૫ નૉટિકલ મીલ(લગભગ ૬૫ કિલોમીટર) દૂર ડુબી ગયુ હતું. બાર્જ પર કુલ ૨૭૩ લોકો હાજર હતા જેમાંથી ૧૮૦ને બચાવી લેવામાં આવ્યા છે. આ સિવાય વધુ ત્રણ વેસલ દરિયામાં ભટકી ગઈ હતી.

કુલ મળીને ચાર વેસલ્સ(મુંબઈ તટના બે બાર્જ, ગુજરાતના પીપાવાવ પોર્ટનો એક બાર્જ અને એક ડ્રિલશિપ) માટે મોટા પ્રમાણમાં સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું. આ ચાર વેસલ્સ બોમ્બે હાઈમાં ઓએનજીસીના એક ઓફશોર પ્લેટફોર્મનું સમારકામ કરવામાં લાગેલા હતા. આ લોકો દરિયામાં કેવી રીતે ફસાઈ ગયા તે સમજવાનો પ્રયત્ન કરીએ.

પી૩૦૫ પર ૨૭૩ લોકો હાજર હતા. તેનું લોકેશન મુંબઈથી લગભગ ૭૦ કિલોમીટર દૂર હતું. જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે આ બાર્જે બોમ્બે હાઈની હીરા ઓઈલ ફીલ્ડ નજીક એક્નર નાખેલા હતા. બાર્જના એક્નર તૂટી ગયા અને તે દરિયામાં ફસાઈ ગયું. સોમવારે રાતે ડૂબતા પહેલા ક્રૂ લાઈફ જેકેટ્સ પહેરીને સમુદ્રમાં કૂદી ગયું. મંગળવારે સાંજ સુધી ૧૮૦ લોકોને બચાવવામાં આવ્યા હતા.

જીએએલ કન્સ્ટ્રક્ટર પર ૧૩૭ લોકો હતા. તે પાલઘરથી ૩૮ નોટિકલ મીલ દૂર હતા. પી૩૦૫ની જેમ તે પણ દરિયામાં ભટકી ગયું. તમામ ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા છે.

સપોર્ટ સ્ટેશન ૩ પર ૧૯૬ ક્રૂ સહિત કુલ ૨૨૦ લોકો હતા. લોકેશન ગુજરાતના પીપાવાવ પોર્ટથી ૧૫-૨૦ નોટિકલ મીલ હતું. આ બાર્જ ખોવાઈ ગયા પછી એક્નર નાખવામાં સફળ રહ્યું. તમામ ક્રૂના સભ્યો સુરક્ષિત છે. સાગર ભૂષણ ડ્રિલશિપ પર ૧૦૧ લોકો હાજર હતા. તેનું લોકેશન પણ પીપાવાવથી ૧૫-૨૦ નોટિકલ મીલ જણાવવામાં આવે છે. આ ડ્રિલશિપ મંગળવાર સાંજ સુધી ફરતું રહ્યું, ત્યારપછી સ્થિતિ સ્થિર જણાઈ રહી હતી.

સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું કે પ્રત્યેક વેસર પર હાજર માસ્ટર તમામ ચેતવણીઓને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેતા હોય છે. હવામાનના ઈનપુટ્સ મળ્યા પછી, માસ્ટર નક્કી કરે છે કે વાવાઝોડાના રસ્તાથી કેટલા નોટિકલ મીલ દૂર જવું સુરક્ષિત કહેવાશે. ઓએનજીસીના એક પૂર્વ એક્ઝીક્યુટીવે જણાવ્યું કે આવી સ્થિતિમાં લોકોના જીવ બચાવવાને પ્રાથમિકતા આપવામાં આવે છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં.

કંપનીના લોકોના જણાવ્યા અનુસાર વાવાઝોડાએ પોતાનો રસ્તો બદલ્યો અને પ્રેશર એકાએક ઓછું થઈ ગયું જેનાથી જેટલી કપરી સ્થિતિની આગાહી હતી, તેનાથી વધારે મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ. જો કે હવામાન વિભાગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે વાવાઝોડાની તીવ્રતા બાબતે પૂરતા પ્રમાણમાં ચેતવણી આપવામાં આવી હતી. વાવાઝોડા મોટાભાગે પોતાના રસ્તા બદલતા હોય છે માટે જ્યારે સુરક્ષિત અંતરનો નિર્ણય લેવામાં આવે ત્યારે એરર માર્જિનને ધ્યાનમાં રાખવામાં આવે છે.

બાર્જના એક પૂર્વ સભ્યએ જણાવ્યું કે, એક અકોમોડેશન વેસલ લગભગ ત્રણ માળની ઈમારત જેટલી ઉંચાઈ ધરાવે છે. પ્રત્યેક બાર્જના ૮ એક્નર હોય છે જે લગભગ ૩-૪ કિલોમીટર લાંબા હોય છે. તેમને ઉપાડવા માટે ઘણાં દિવસો લાગી જાય છે કારણકે તેમને બીજા જહાજો દ્વારા ખેંચવામાં આવે છે અને પછી બાર્જ પર મુકવામાં આવે છે. આ જ પ્રક્રિયા લંગર નાખતી વખતે અપનાવવામાં આવે છે.

ઓએનજીસીના પૂર્વ નિર્દેશક વેદ પ્રકાશ મહાવર જણાવે છે કે, ધારો કે ૪૦૦૦ ફૂટની ઊંડાઈ પર એક કુવો ખોદવામાં આવી રહ્યો છે. તમે રોકાઈને ત્યાંથી પસાર નથી થઈ શકતા. કુવાને સુરક્ષિત કરવો જરૂરી છે અને ડિલને બહાર નીકાળવી પડે છે જેથી કોઈ મોટી દુર્ઘટના ન ઘટે. ઓનજીસીની ડ્રિલશિપ સાગર ભૂષણ તૈયાર હતી અને જ્યારે તેના એક્નર તૂટી ગયા તો તે ભટકી ગઈ. પી૩૦૫ એટલે ડૂબ્યું કારણકે તે ભટક્યા પછી એક પ્લેટફોર્મ સાથે ટકરાઈ ગયુ હતું.

આ સ્થિતિમાં પ્રશ્ન ઉદ્દભવે છે કે શું ક્રૂએ આવી સ્થિતિ માટે બનાવવામાં આવેલા પ્રોટોકોલ્સનું પાલન કર્યું, શું બાર્જને ખસેડવા માટે પૂરતો સમય નહોતો, શું સૂચના અધુરી આપવામાં આવી હતી અથવા જે પ્રકારે વાવાઝોડાનું પ્રમાણ વધી રહ્યું છે તે જોઈને પ્રોટોકોલ્સને અપડેટ કરવાની જરૂર છે? હવે આ દરેક પ્રશ્નના ઉત્તર શોધવા પડશે.

ઉલ્લેખનીય છે કે રેસ્ક્યુ મિશનમાં ભારતીય નૌસેનાના પાંચ જહાજ લાગેલા છે. આ સિવાય હેલિકોપ્ટર્સ અને કોસ્ટ ગાર્ડ્સની પણ મદદ લેવામાં આવી રહી છે. ડીજી શિપિંગના સૂત્રોના જણાવ્યા અનુસાર, પી-૩૦૫ના તમામ સભ્યોએ લાઈફ જેકેટ પહેરેલુ હતું. જે લોકો લાપતા છે તેમના બચવાની આશા છે. જે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા તે પણ કલાકો સુધી દરિયામાં પોતાના લાઈફ જેકેટ્સના સહારે ઉતરતા રહ્યા. રેસ્ક્યુ ટીમ માટે પણ આ કામ સરળ નથી કારણકે ભારે પવન અને ઉંચી લહેરો તેમના માટે પડકાર સમાન છે.

(8:01 pm IST)