મુખ્ય સમાચાર
News of Wednesday, 19th May 2021

રાહુલ- પ્રિયંકા કંઈ કરી ન શકે તો મુંગા રહે

કોરોના સામેના જંગમાં વિપક્ષો રોડા ન નાંખેઃ સંજય જોષીના તમતમતા પ્રહારો : ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ કહે છે અત્યારનો સમય દેશવાસીઓને બચાવવાનો છે, વેકસીન બાદ ઓકિસજન મામલે વિપક્ષોએ પોતાના રોટલા શેકયા

જલંધરઃ ભાજપા સરકાર કોરોના મહામારીથી દેશને બચાવવા માટે કામ કરી રહી છે. પણ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી નિવેદન બાજી કરી ટીકા કરવાનું કામ કરી રહ્યા છે. આ વિચાર ભાજપાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ સંજય જોષીએ જાહેર કર્યા હતા. જોષીએ કહ્યું કે મહામારી સામે ચાલી રહેલા કામમાં સહયોગ આપવાના બદલે વિપક્ષો રાજકારણ ખેલવામાં વ્યસ્ત છે અને તેમના આ વ્યવહાર નિંદનીય છે. જોષીએ વિપક્ષને સલાહ આપતા કહ્યું કે રાહુલ અને પ્રિયંકા કંઈના કરી શકતા હોય તો મહેરબાની કરીને મુંગા રહે. તેમનું મુંગા રહેવું જ દેશના હિતમાં રહેશે.

રાહુલ અને પ્રિયંકા દ્વારા ભાજપા સરકાર વિરૂધ્ધ કરાઈ રહેલી ટીકાઓ પર પોતાની પ્રતિક્રિયા જાહેર કરતા તેમણે કહ્યું કે વિપક્ષો સરકારના કામમાં રોડા ના નાખે પણ સહયોગ કરે. તેમણે કહ્યું કે રાજકારણ કરવાના બીજા ઘણાં મોકા મળી જશે પણ આ સમય દેશ અને દેશવાસીઓને બચવવાનો છે. તેમણે કહ્યું કે પહેલા કોરોના રસી અને પછી ઓકસીજનને લઈને વિપક્ષોએ પોતાના રોટલા શેકયા અને હવે રોજે રોજ વિપક્ષ સરકારની દરેક વાતમાં રાજકારણ શોધી રહ્યો છે.

તેમણે ડીઆરડીઓ દ્વારા વિકસીત દવા ૨-ડીજી લોંચ કરવા પર દેશના વૈજ્ઞાનિકોનો આભાર માનતા કહ્યું કે હવે આ દવા હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે. જે દર્દીઓને કોરોના સામેની લડાઈમાં લડવા માટેનું અમોધ શસ્ત્ર સાબિત થશે. તેમણે કહ્યું કે આ દવા એક વરદાન સાબિત થશે. તેમણે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં ૧૮.૨ કરોડ લોકો રસી અપાઈ ચૂકી છે. રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૨૦ કરોડ ડોઝ મફત અપાઈ ચૂકયા છે. ૨ કરોડ ડોઝ હજી સ્ટોકમાં છે.

સંજય જોષીએ એ પણ કહ્યું કે ૧૩૦ કરોડની વસ્તી ધરાવતા દેશને આ મહામારીમાંથી વાતો દ્વારા નહીં પણ કામ કરીને બચાવી શકાય અને એ કામ કેન્દ્રની  ભાજપા સરકાર બહુ સારી રીતે કરી રહી છે.

(3:22 pm IST)