મુખ્ય સમાચાર
News of Wednesday, 19th May 2021

કુસ્તીબાજ સાગર રાણા હત્યા કેસ : ફરાર આરોપી ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારને આગોતરા જામીન આપવાનો દિલ્હી કોર્ટનો ઇન્કાર : 4 મેની રાત્રે સુશીલ કુમાર અને અન્ય સાથીદારોએ સાગર રાણા સહીત ત્રણ કુસ્તીબાજો ઉપર હુમલો કર્યો હતો : જે પૈકી સાગર રાણાનું મોત થયું હતું અને અન્ય બે કુસ્તીબાજો ઈજાગ્રસ્ત થયા હતા

ન્યુદિલ્હી : કુસ્તીબાજ સાગર રાણા હત્યા કેસ મામલે દિલ્હી કોર્ટે ફરાર ઓલિમ્પિક મેડલ  વિજેતા સુશીલ કુમારને આગોતરા જામીન આપવાનો ગઈકાલ મંગળવારે ઇન્કાર કર્યો છે. 4 મેની રાત્રે સુશીલ કુમાર અને અન્ય સાથીદારોએ સાગર રાણા સહીત ત્રણ કુસ્તીબાજો ઉપર રાજધાની દિલ્હીના સ્ટેડિયમ પરિસરમાં હુમલો કર્યો હતો .  જે પૈકી સાગર રાણાનું મોત થયું હતું અને તેના અન્ય બે કુસ્તીબાજ મિત્રો  સોનુ તથા અમિતકુમાર ઈજાગ્રસ્ત થયા હતા .

એડિશનલ સેશન્સ જજ જગદીશ કુમારે સુશીલ કુમારને મળતી રાહત નકારી હતી, જેની સામે હત્યા, અપહરણ અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધવામાં આવ્યો છે. નામદાર કોર્ટે જણાવ્યું હતું કે સુશીલકુમાર  મુખ્ય ષડયંત્રકાર છે અને તેની સામેના આરોપો ગંભીર છે.

વધુમાં ન્યાયાધીશે કહ્યું હતું કે તપાસ હજુ ચાલુ છે અને કેટલાક આરોપીઓની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. આરોપીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ પહેલેથી જ જારી કરી દેવામાં આવ્યું છે.એડિશનલ સેશન્સ જજે  અરજી નકારી કાઢી હતી અને  નજરે જોનાર  સાક્ષીઓના નિવેદનો પર આધાર રાખ્યો હતો . તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:10 pm IST)