મુખ્ય સમાચાર
News of Sunday, 19th May 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેદારનાથ યાત્રા મુદ્દે TMC પંચ સમક્ષ ફરિયાદ

આચારસંહિતાનો ભંગ કરવાનો આક્ષેપ કરાયો : તૃણમુલ કોંગ્રેસ દ્વારા તરત પ્રતિબંધ મુકવા માટેની માંગણી

નવી દિલ્હી, તા. ૧૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેદારનાથ યાત્રાને લઇને નવો વિવાદ શરૂ થઇ ગયો છે. તૃણમુલ કોંગ્રેસ તરફથી પણ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના શાસક પક્ષે ચૂંટણી પંચને પત્ર લખીને મોદીના કેદારનાથના પ્રવાસને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. આ પ્રવાસને ટીવી પ્રસારણ બાદ આચારસંહિતાનો ભંગ તરીકે ગણાવીને આની સામે કાર્યવાહીની માંગ કરી છે. ટીએમસીનુિં કહેવું છે કે, મોદીએ કેદારનાથમાં માસ્ટર પ્લાનની જાહેરાત કરી છે. પ્રજા અને મિડિયાને સંબોધન પણ કર્યું છે. આચારસંહિતાનો ખુલ્લો ભંગ કરવામાં આવ્યો છે. તૃણમુલ કોંગ્રેસે આના પર તરત પ્રતિબંધની માંગ કરી છે. ચૂંટણી પંચને લખવામાં આવેલા પત્રમાં ટીએમસીએ કહ્યું છે કે, લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચારની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે ત્યારે છેલ્લા બે દિવસથી મોદી કેદારનાથ યાત્રા પહોંચીને મિડિયામાં છવાઈ રહ્યા છે. ચૂંટણી આચારસંહિતાના ભંગ તરીકે આ બાબત રહેલી છે. આ વખતે બંગાળમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે જોરદાર સ્થિતિ સ્પર્ધા જોવા મળી રહી છે. છેલ્લા તબક્કામાં બંગાળની નવ સીટ ઉપર આજે મતદાન યોજાયું હતું. ગયા મંગળવારના દિવસે ભાજપ પ્રમુખ અમિત શાહના રોડ શો દરમિયાન બંને પક્ષોના કાર્યકરો આમને સામને આવી ગયા હતા અને વ્યાપક હિંસા થઇ હતી. આ ગાળા દરમિયાન બંગાળના લોકપ્રિય સમાજ સુધારક ઇશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમાને તોડી પાડવામાં આવી હતી જેને લઇને ભારે હોબાળો થયો હતો. આજે બંગાળના મુખ્યમંત્રી તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ તેમની પાર્ટીના લોકો તરફથી જોરદાર રજૂઆત કરવામાં આવી છે. મોદીની કેદારનાથ યાત્રાની તૃણમુલ કોંગ્રેસે વાંધો લઇને ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે. ટીએમનું કહેવું છે કે, મિડિયામાં આને બિનજરૂરીરીતે મહત્વ મળ્યું છે.

(8:04 pm IST)