મુખ્ય સમાચાર
News of Sunday, 19th May 2019

પ્રજ્ઞા ઠાકુરને પાર્ટીથી બહાર કરવા નીતિશકુમારનું સૂચન

સાધ્વી મામલામાં નીતિશ કુમારની સ્પષ્ટ પ્રતિક્રિયા આવી : નાથુરામ ગોડસે અંગે નિવેદન કરીને સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ફસાયા

પટણા, તા. ૧૯ : મધ્યપ્રદેશના ભોપાલમાંથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા દ્વારા નાથુરામ ગોડસેના સંદર્ભમાં કરવામાં આવેલા નિવેદનથી દેશભરમાં હોબાળો મચેલો છે. આને લઇને જુદીજુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ભાજપે હવે આને લઇને ખુલાસા કરવાની શરૂઆત પણ કરી છે. સાધ્વી પ્રજ્ઞાના નિવેદનથી નાખુશ થયેલા ભાજપના સાથી પક્ષ જેડીયુના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. નીતિશકુમારે કહ્યું છે કે, સાધ્વી પ્રજ્ઞાના આવા નિવેદન બદલ તેમને પાર્ટીમાંથી બહાર કરવા પર વિચારણા કરવી જોઇએ. પટણામાં મતદાન કર્યા બાદ બૂથથી બહાર નિકળતી વેલા નીતિશકુમારે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, પ્રજ્ઞાનું નિવેદન ખુબ જ વખોડવા લાયક છે. ભાજપનો આ આંતરિક મામલો છે પરંતુ તેમને પાર્ટીમાંથી દૂર કરવાના પ્રયાસ કરવા જોઇએ. સાથે સાથે લોકસભાની ચૂંટણીની અવધિને લઇને કહ્યું હતું કે, લાંબા સમય સુધી ચૂંટણી પ્રક્રિયા યોજાય તે બાબત પણ યોગ્ય નથી. લાંબા ચરણોમાં ચૂંટણી યોજવાથી કેટલીક બાબતો નિષ્પક્ષ રહેતી નથી. છેલ્લા ૪૫થી ૫૦ દિવસ સુધી ચૂંટણી પ્રક્રિયા યોજાય તે બિલકુલ યોગ્ય નથી. ચૂંટણીને શાંતિપૂર્ણરીતે પૂર્ણ કરવાને લઇને કહ્યું હતું કે, હવે શાંતિનો માહોલ છે. અશાંતિનો માહોલ તો અમારા આવવાથી પહેલા ૧૫ વર્ષ સુધી ચાલ્યો હતો. તમામ પક્ષોના નેતાઓને પત્ર લખીને સર્વસંમતિ સાધવાની દિશામાં પહેલ કરવા રજૂઆત કરી હતી. નીતિશકુમારની આ પ્રતિક્રિયાને રાજકીયરીતે ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. પરિણામો આવ્યા નથી ત્યાં તેમની આ પ્રતિક્રિયાથી આરજેડીના નેતાઓ તરફથી પ્રતિક્રિયા આવી છે. આરજેડીનું કહેવું છે કે, નીતિશકુમારે પ્રજ્ઞાના સંદર્ભમાં ભાજપ ઉપર દબાણ લાવીને તેમનની સામે કાર્યવાહીની માંગ કરવી જોઇએ.

 

(8:06 pm IST)