મુખ્ય સમાચાર
News of Sunday, 19th May 2019

તાઇવાનમાં સજાતિય સંબંધને મંજુરી મળ્યા બાદથી ઉજવણી

એશિયામાં કાનૂન બનાવનાર પ્રથમ દેશ : છેલ્લા ઘણા સમયથી સજાતિય લગ્નને લઇને લડત હતી

હોંગકોંગ, તા. ૧૮ : તાઇવાનમાં સજાતિય લગ્નને કાયદેસર બનાવી દેવામાં આવ્યા બાદ તાઈવાનમાં ઘણી જગ્યાએ હજુ પણ ઉજવણીનો દોર ચાલી રહ્યો છે. તાઈપેઇમાં ભવ્ય ઉજવણી કરવા માટે સજાતિય સમુદાયના લોકો ખુલ્લા મેદાનમાં આવ્યા હતા. તાઈવાનની સંસદે આ સંદર્ભમાં સજાતિય સંબંધોને કાયદેસર બનાવવાની તરફેણમાં મતદાન કર્યું હતું. ૨૪મી મેના દિવસથી હવે આ બિલ અમલી બની જશે. આની સાથે જ તાઈવાનમાં સજાતિય લોકો દ્વારા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહેલી માંગણીની જીત થઇ છે. લોકો તાઈપેઈમાં ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. આની સાથે જ સજાતિય સંબંધોને કાયદેસર બનાવનાર તાઇવાન એશિયામાં પ્રથમ દેશ તરીકે ઉભર્યું છે. તાઇવાનમાં લાંબા સમયથી આના માટે લડાઈ ચાલી રહી હતી. તાઈવાનના પ્રમુખ દ્વારા ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, અમે સાચી વાસ્તવિકતા અને સમાનતાની દિશામાં મોટુ પગલું ભરવા જઈ રહ્યા છે. તાઈવાનને વધુ શાનદાર દેશ તરીકે બનાવવા જઇ રહ્યા છે. તાઈવાનની બંધારણીય કોર્ટ દ્વારા કેટલીક તકલીફો અગાઉ ઉભી કરવામાં આવી હતી. તાઈવાનમાં લાંબા સમયથી એશિયામાં સજાતિય સંબંધોના અધિકારને લઇને લડાઈ ચાલી રહી હતી. આ પ્રકારના અધિકારોનો મુદ્દો તાઈવાનમાં સૌથી પહેલા ઉઠ્યો હતો.

તાઈવાનમાં સજાતિય સંબંધોને હવે લીલીઝંડી મળ્યા બાદ એશિયાના અન્ય દેશો પણ આ દિશામાં આગળ વધી શકે છે. સજાતિય સંબંધોની લડાઈ લાંબા સમયથી ચાલી રહી હતી. વિશ્વના અન્ય કેટલાક દેશોમાં પણ સજાતિય સંબંધોને પહેલાથી જ મંજુરી મળી ગઇ છે. તાઈવાનમાં લોકો જુદી જુદી પ્રતિક્રિયા આપી છે. ગયા વર્ષે જનમતમાં સજાતિય લગ્નને લઇને મતદારોએ તેમની પ્રતિક્રિયા આપી હતી. આગામી વર્ષે તાઈવાનમાં સામાન્ય ચૂંટણી પણ યોજાનાર છે.

(12:00 am IST)