મુખ્ય સમાચાર
News of Monday, 19th April 2021

રાજકોટમાં ૬૭ મોતઃ નવા કેસ ૨૯૪

કુલ કેસનો આંક ૨૭,૦૧૩ આજ દિન સુધીમાં ૨૧,૯૭૪ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૮૨.૨૪ ટકા થયોઃ સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૬૯ પૈકી ૧૯ કોવિડ ડેથઃ હાલમાં ૪૬૧૨ દર્દીઓ સારવાર હેઠળ

 રાજકોટ તા. ૧૯: શહેર - જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન ૬૭ નાં મૃત્યુ થયા છે. લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૨૯૪ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૮નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૯નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૬૭ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૬૯ પૈકી ૧૯  મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ. શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૭૮ બેડ ખાલી છે. નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૬૫૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૬૭ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

 બપોર સુધીમાં કોરોનાના ૨૯૪કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૯૪ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૨૭,૦૧૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૧૩,૪૮૮  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૬૮૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૦૬ ટકા થયો  હતો. જયારે ૪૨૩ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૮,૬૨,૬૪૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૭,૦૧૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૧૦ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૪૬૧૨  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:26 pm IST)