મુખ્ય સમાચાર
News of Monday, 19th April 2021

ગુજરાત સહિત છ રાજ્યમાંથી મહારાષ્ટ્ર આવતા લોકો માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજિયાત

તમામ લોકોએ 15 દિવસ સુધી ફરજિયાત હોમ ક્વૉરન્ટિન રહેવું પડશે

મુંબઈ :મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સીતારામ કંતેના હસ્તાક્ષણ સાથેના આદેશમાં કેરળ, ગોવા, ગુજરાત, દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (NCR), રાજસ્થાન અને ઉત્તરાખંડને સંવેદનશીલ સ્થળો જાહેર કરવામાં આવ્યા છે. આદેશ પ્રમાણે આ છ રાજ્યોમાંથી મહારાષ્ટ્ર આવતા લોકો માટે મુસાફરીના 48 કલાક પહેલા કરવામાં આવેલો આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે તેમજ અન્ય રાજ્યોમાંથી નવા સ્વરૂપે દાખલ થતા વાયરસને રાજ્યમાં આવતો રોકવા માટે આવું પગલું ભરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આવેલા તમામ લોકોએ 15 દિવસ સુધી ફરજિયાત હોમ ક્વૉરન્ટિન રહેવું પડશે. મહારાષ્ટ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનના ઉલ્લંઘન બદલ 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

રેલવેને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી મહારાષ્ટ્રમાં આવતા મુસાફરો આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ ન બતાવે ત્યાં સુધી તેમને ટ્રેનમાં મુસાફરી ન કરવા દેવામાં આવે. લાંબા અંતરની ટ્રેનો આવ્યાના ઓછામાં ઓછા ચાર કલાક પહેલા રાજ્યના આપતા નિયામક સાથે મળીને રેલવેએ કામ કરવાની જરૂરી છે.

(1:11 pm IST)