મુખ્ય સમાચાર
News of Monday, 19th April 2021

હોંગકોંગે ભારતની ફલાઇટ કરી સ્થગિત

ફલાઇટ્સ પર રોક ૨૦ એપ્રિલથી ૩ મે સુધી રહેશે : ભારત ઉપરાંત પાકિસ્તાન અને ફિલિપાઇન્સની ફલાઇટ્સ પણ બંધ કરી દેવામાં આવી છે

નવી દિલ્હી,તા. ૧૯: હોંગકોંગે ભારત અને બધી જ ફ્લાઇટ્સ પર ૧૪ દિવસનો પર રોક લગાવી દીધી છે. દેશમાં કોરોનાના વધતા જતા કેસો અને નવા પ્રકારોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફ્લાઇટ્સ પર રોક ૨૦ એપ્રિલથી ૩ મે સુધી રહેશે. ભારત ઉપરાંત પાકિસ્તાન અને ફિલિપાઇન્સની ફ્લાઇટ્સ પણ બંધ કરી દેવામાં આવી છે. રવિવારે સરકારે આ નિવેદન બહાર પાડ્યું અને આ માહિતી આપી છે.

હોંગકોંગમાં આ સપ્તાહમાં, પ્રથમ વખત, વાયરસના નવા વેરિઅન્ટના બે કેસ મળી આવ્યા. સરકારે કહ્યું કે છેલ્લા સાત દિવસોમાં આ ત્રણ દેશોમાંથી ૫ કે તેથી વધુ લોકો આવ્યા છે, જેમાં કોરોનાનો પરિવર્તનીય વાયરસ જોવા મળ્યો છે. આને કારણે સર્કિટ બ્રેકરની વ્યવસ્થા હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત ત્રણેય દેશોને ખૂબ વધારે જોખમવાળા દેશોમાં શામેલ કરવામાં આવ્યા છે.

એવું કહેવામાં આવે છે કે ભારતના ૨૦ મુસાફરો એરપોર્ટ સ્ક્રિનિંગમાં કોરોના પોઝિટિવ મળ્યાં છે. તેમાંથી બે લોકોએ હોંગકોંગ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર કવોરેન્ટાઇન રોકાણ દરમિયાન અને બાકીના રેગલ એરપોર્ટ હોટેલમાં ચેપ લાગ્યો હતો. ૪ એપ્રિલે તેઓ બધા અહીં પહોંચ્યા હતા. આ પછી, ૬ એપ્રિલથી ૧૯ એપ્રિલ સુધી આ માર્ગની ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી.

ગયા વર્ષે, ચેપના કેસ મળ્યા બાદ દિલ્હી-હોંગકોંગ ફ્લાઇટ્સ પર ૧૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ, ૨૦ સપ્ટેમ્બરથી ૩ ઓકટોબર અને ૧૭ ઓકટોબરથી ૩૦ ઓકટોબર સુધી પ્રતિબંધ મૂકાયો હતો. ૨૮ ઓકટોબરથી ૧૦ નવેમ્બર સુધી મુંબઇથી હોંગકોંગની ફ્લાઇટ્સ માટે પ્રતિબંધ મૂકયો છે.

હોંગકોંગમાં હજી સુધી કોરોનાના ૧૧,૬૮૪ કેસ નોંધાયા છે. ત્યાં ૨૦૯ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૩૦ થી વધુ કેસ જોવા મળ્યા છે. અહીંના ચીની રસી સિનોવાકથી રસીકરણ ચાલુ છે. રસીકરણ પછી અહીં સુધીમાં ૧૪ લોકોનાં મોત નીપજયાં છે. હોંગકોંગે ૧૮ ફેબ્રુઆરીથી પ્રતિબંધોમાં છૂટછાટની ઘોષણા કરી હતી, ત્યારબાદ કોરોનાના કેસ ઘટયા હતા.

(11:07 am IST)