મુખ્ય સમાચાર
News of Monday, 19th April 2021

રેકોર્ડબ્રેક કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં સ્થિતી ભયાનક : લોકડાઉન બેઅસર દર કલાકે ૨૦ લોકોને ભરખી રહ્યો છે કોરોના

મુંબઇ,તા. ૧૯: મહારાષ્ટ્ર માં વિકેન્ડ લોકડાઉન પણ બેઅસર જોવા મળી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં કોરોનાના સૌથી વધુ ૬૮,૬૩૧ નવા કેસ સામે આવ્યા છે. જયારે ૫૦૩ દર્દીઓના મોત થયા છે.

સૌથી વધુ કેસ માયાનગરી મુંબઈમાં મળ્યા છે. અહીં એક જ દિવસમાં ૮૪૭૯ કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જયારે સંક્રમણથી ૫૩ લોકોના મોત થયા છે. આ સાથે જ શહેરમાં કોરોના વાયરસના એકિટવ કેસની કુલ સંખ્યા ૮૭૬૯૮ પર પહોંચી ગઈ છે. જયારે મોતનો આંકડો પણ ૧૨૩૪૭ થયો છે. આ બાજુ નાગપુરમાં રવિવારે કોરોનાથી વધુ ૮૫ લોકોના મોત થયા છે. નવા કેસ મળીને નાગપુરમાં સંક્રમિતોની કુલ સંખ્યા ૩,૨૩,૧૦૬ થઈ ગઈ છે. શહેરમાં હાલ ૬૯૨૪૩ એકિટવ કેસ છે.

સમગ્ર મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં હજુ પણ ૬ લાખ ૭૦ હજાર ૩૮૮ દર્દીઓ હોસ્પિટલમાં અને હોમ કવોરન્ટિનમાં રહીને કોરોના સામે લડત લડી રહ્યા છે. જો કે રાહતના સમાચાર  એ છે કે રવિવારે ૪૫૬૫૪ દર્દીઓ કોરોના સામે જંગ જીતીને સાજા થયા . મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલિપ વલસે પાટિલે કોવિડ-૧૯ના પ્રસારને રોકવા માટે લાગુ કરાયેલા પ્રતિબંધોનો ભંગ કરનારાને રવિવારે ચેતવણી પણ ઉચ્ચારી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કોવિડ-૧૯ના વધતા કેસ પર રોક લગાવવા માટે કર્ફ્યૂ આદેશ અને પ્રતિબંધોનું પાલન થવું જોઈએ. આદેશોનો ભંગ કરનારા વિરુદ્ઘ કડક કાર્યવાહી કરવામાં આવશે.

(10:03 am IST)