મુખ્ય સમાચાર
News of Monday, 19th April 2021

તેજસની ટેક્નોલોજીથી દર્દીને ઓક્સિજન આપવાની તૈયારી

લખનૌમાં નવતર ટેક્નોલોજીનો પ્રયોગ થશે : એરક્રાફ્ટમાં પાઈલટને જે ટેક્નોલોજીના આધારે ઓક્સિજન મળે છે તેના દ્વારા દર્દીઓને ઓક્સિજન અપાશે

લખનઉ,તા.૧૮ : હાલના દિવસોમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની ડિમાન્ડ સતત વધી રહી છે, ત્યારે ડીઆરડીઓ દ્વારા લખનઉમાં ઉભી કરાઈ રહેલી હંગામી હોસ્પિટલમાં દર્દીઓને તેજસ ફાઈટર જેટમાં ઉપયોગમાં લેવાયેલી ટેક્નોલોજી મારફતે ઓક્સિજન પૂરો પાડવાની તૈયારી ચાલી રહી છે. જેમાં પહેલીવાર પ્લેન ઉડાવતા પાઈલટને ઓક્સિજન પૂરો પાડવા વપરાતી સેલ્ફ-સસ્ટેનેબલ ઓક્સિજન જનરેશન ટેક્નોલોજી વાપરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોનું માનીએ તો, ડીઆરડીઓએ તેજસ ફાઈટર જેટની ઓન બોર્ડ ઓક્સિજન જનરેશન સિસ્ટમની ટેક્નોલોજી પર આધારિત મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ બનાવવાની તૈયારી શરુ કરી છે. પોતાનું નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ હાઈ ફ્લો સાથે ચોવીસે કલાક મેડિકલ ગ્રેડનો ઓક્સિજન ૫૦ જેટલા વેન્ટિલેટર સાથેના આઈસીયુ બેડને પૂરો પાડી શકે છે. આ ટેક્નોલોજી કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ એક્ટિવેટ કરવા માટે ઉપયોગમાં લેવાશે. ડીઆરડીઓની ઈલેક્ટ્રોમેડિકલ અને બાયો-એન્જિનિયરિંગ લેબ દ્વારા વિકસાવાયેલી આ ટેક્નોલોજી હવામાંથી મોનેક્યુલર કોમ્પોનેન્ટ્સને ખેંચીને પ્લેન ઉડાવી રહેલા પાઈલટને ઓક્સિજન પૂરો પાડે છે. પ્લેન જ્યારે લાંબા ગાળા માટે તેમજ ખૂબ જ ઉંચાઈ પર ઉડી રહ્યું હોય ત્યારે પણ આ ટેક્નોલોજી પાઈલટને ઓક્સિજન આપી શકે છે.

               એકવાર સેટઅપ થઈ જાય ત્યારબાદ આ ટેક્નોલોજી ક્રિટિકલ દર્દીઓને સતત ઓક્સિજન સપ્લાય કરી શકશે તેમજ ઓક્સિજન સિલિન્ડરને પણ તેનાથી રિફિલ કરી શકાશે. સંરક્ષણ મંત્રી અને લખનઉના સાંસદ રાજનાથ સિંહે ડીઆરડીઓની એક ટીમ શુક્રવારે લખનઉમાં મોકલી હતી. જેણે હજ હાઉસ અને ગોલ્ડન બ્લોસમ્સ રિસોર્ટમાં કોવિડ હોસ્પિટલ બનાવવાનું કામ શરુ કરી દીધું છે. બંને હોસ્પિટલોના મળીને કુલ ૬૦૦ બેડ હશે, જે આવતા સપ્તાહ સુધી તૈયાર થઈ જશે. તેમાં ફરજ બજાવતા ડૉક્ટર્સ, નર્સ તેમજ સપોર્ટ સ્ટાફ આર્મીની મેડિકલ સર્વિસનો હશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પણ ડીઆરડીઓ દ્વારા યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં આવી જ એક કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી રહી છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં વિસ્ફોટ થતાં દેશના મોટાભાગના શહેરોમાં હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. તેવામાં ડીઆરડીઓ દ્વારા અન્ય શહેરોમાં પણ આવી જ વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે. હાલ કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડ શોધવામાં તો તકલીફ પડી જ રહી છે, પરંતુ તેની સાથે ક્રિટિકલ દર્દીઓ માટે ઓક્સિજનના પણ ફાંફા પડી રહ્યા છે. અનેક હોસ્પિટલો ઓક્સિજનની અછતનો પણ સામનો કરી રહી છે. ગુજરાત જેવા રાજ્યમાં તો ઓક્સિજનનો સપ્લાય મેડિકલ સિવાયના તમામ કામકાજ માટે અટકાવી દેવામાં આવ્યો છે.

(12:00 am IST)