મુખ્ય સમાચાર
News of Monday, 19th April 2021

એકથી પાંચ વર્ષના બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે

બીજી લહેર વધુ ઘાતક થઈ રહી છે : ૨૦૨૦ની તુલનામાં આ વર્ષે કોરોના સંક્રમિત બાળકોની હૉસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા બમણી થઈ ગઈ છે

નવી દિલ્હી,તા.૧૮ : કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. રોજ અઢી લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન ડૉક્ટરોએ નોંધ્યું છે કે કોરોનાના બીજા ચરણમાં નાના બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. એક વર્ષના બાળકથી લઇને પાંચ વર્ષના બાળકો સંક્રમિત થઈ રહ્યા હોય એવા આંકડા સામે આવી રહ્યા છે. બાળકોના ડૉક્ટરોનું માનવું છે કે આ સ્થિતિ 'ખૂબ જ ગંભીરલ્લ છે. બાળકોના ડૉક્ટરોનું કહેવું છે કે નવજાતથી લઈને કિશોર વયના બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. એક અગ્રણી અખબાર સાથે વાત કરતાં ડૉ. ધીરેન ગુપ્તાએ જણાવ્યું કે, દિલ્હીની સર ગંગા રામ હૉસ્પિટલના બાળકોના વિભાગમાંથી મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૨૦ની તુલનામાં બાળકોની હૉસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા બમણી થઈ ગઈ છે. આ દરમિયાન એલએનજેપી હૉસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટના ચીફ ડૉ. રીતૂ સક્સેનાએ જણાવ્યું કે, આ વખતે કોવિડ-૧૯ બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે.

          નવજાત બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. ડૉ. સક્સેનાએ વધુમાં જણાવ્યું કે, જ્યારથી નવા ચરણની શરૂઆત થઈ છે ત્યારથી ૭થી ૮ બાળકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પૈકી સૌથી નાનું નવજાત બાળક છે જેને હૉસ્પિટલમાં જ ઇન્ફેક્શન લાગ્યું હતું. આ ઉપરાંત ૧૫થી ૩૦ વર્ષની વચ્ચેના યુવાઓ પણ વધુ પ્રમાણમાં સંક્રમિત થઈ રહ્યા છે. નોંધનીય છે કે, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨,૬૧,૫૦૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧,૫૦૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૪૭,૮૮,૧૦૯ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૧૨,૨૬,૨૨,૫૯૦ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. વિશેષમાં દેશની રાજધાનીમાં કોરોના સંક્રમણની સ્થિતિ વધારે વણસી રહી છે. દિલ્હીએ દેશની આર્થિક રાજધાની મુંબઈને ૨૪ કલાકમાં નોંધાતા કેસોમાં પાછળ મૂકી દીધું છે. દિલ્હી દેશનું સૌથી વધુ સંક્રમિત શહેર બની ગયું છે.

(12:00 am IST)