મુખ્ય સમાચાર
News of Friday, 19th April 2019

અમેઠીમાં પરિવારના બેનરને લઇ રાહુલ ગાંધીને નોટિસ ફટકારાઈ

કર્ણાટકમાં રાયચુરમાં રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહારો :૨૪ કલાકમાં નોટિસનો જવાબ આપવામાં નહીં આવે તો રાહુલ ગાંધી સામે વધુ કઠોર પગલા : બેનરોમાં રાહુલગાંધીના ફોટા સાથે અબ હોગા ન્યાયનો ઉલ્લેખ

અમેઠી, તા. ૧૯ : ચૂંટણી પંચે આજે વધુ કઠોર વલણ અપનાવીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને નોટિસ ફટકારી હતી. પરિવારના મજબૂત ગઢ ગણાતા અમેઠીમાં મુકવામાં આવેલા બેનરોને લઇને આચારસંહિતા ભંગના સંદર્ભમાં રાહુલ ગાંધીને નોટિસ ફટકારવામાં આવી છે. અમેઠીમાં મુકાયેલા આ બેનરોમાં રાહુલ ગાંધીના ફોટાઓ છે જેમાં લખવામાં આવ્યું છે કે, અબ હોગા ન્યાય. રાહુલ ગાંધીને ૨૪ કલાકમાં જવાબ આપવા માટે ચૂંટણી પંચે સ્પષ્ટ સૂચના આપી છે. પોતાની નોટિસમાં ચૂંટણી પંચે કહ્યું છે કે, સ્થાનિક ચૂંટણી અધિકારીઓની મંજુરી અને ઇમારતના માલિકની પરવાનગી વગર આ પ્રકારના બેનરો મુકી દેવાં આવ્યા છે. ચૂંટણી ટીમની ફ્લાઇંગ ટીમે અમેઠીમાં અનેક જગ્યાઓએ મોટા બેનરો જોયા છે.સાતથી વધારે બેનરો જોયા છે. જ્યારે અધિકારીઓને સંબંધિત પેપરો અંગે પ્રશ્ન કરવામાં આવ્યા ત્યારે યોગ્ય જવાબ મળ્યા ન હતા. કોંગ્રેસના કાર્યકરો પણ કોઇ જવાબ આપી શક્યા નથી. જો સંતોષજનક જવાબ કોંગ્રેસ વડા તરફથી મળશે નહીં તો વધુ કઠોર કાર્યવાહી કરવામાં આવશે. ન્યાય એટલે કે જસ્ટિસ કોંગ્રેસની એક ફ્લેગશીપ યોજના પૈકીની છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો દેશમાં સૌથી ગરીબ લોકોને મૂળભૂત લઘુત્તમ આવક ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાર્ટીના વડા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને વોટ ફોર ન્યાયને મત આપવા અપીલ કરી છે. ગઇકાલે ૧૧ રાજ્યોના ૯૫ સીટ પર બીજા તબક્કામાં મતદાન થયું હતું. ઉત્તરપ્રદેશમાં બે તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. આવી સ્થિતિમાં હવે ૧૮૬ બેઠકો ઉપર મતદાનની પ્રક્રિયા પુરી થઇ ચુકી છે. બીજી બાજુ રાહુલ ગાંધી આજે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં પણ મોદી વિરોધી લહેર જોવા મળી રહી છે. વેપારી વર્ગ પરેશાન છે. દિલ્હીથી મોદીને દૂર કરવા ભારતીય લોકો ઇચ્છુક છે. રાહુલે કહ્યું હતું કે, ઇન્દિરા કેન્ટીન મારફતે અમે સ્વસ્છ ભોજન ઉપલબ્ધ કરાવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા લોન માફીના વચનો પાળવામાં આવ્યા નથી તેવા આક્ષેપ મોદી દ્વારા કરવામાં આવી રહ્યા છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે, જ્યારે અમારી સરકાર સત્તામાં આવશે ત્યારે પાંચ ટેક્સ સ્લેબના બદલામાં માત્ર એક ટેક્સ સ્લેબમાં જીએસટીને સરળ કરવામાં આવશે. મોદી સરકારની આર્થિક નીતિઓના લીધે દર કલાકે ૨૭૦૦૦ લોકો નોકરી ગુમાવી રહ્યા છે. આ દિવસોમાં મોદી રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં કરાયેલા કામની વાત કરી રહ્યા નથી. રાહુલે એમ પણ કહ્યું હતું કે, તેઓ તેમના કામોની વાત કરી રહ્યા નથી. કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે ૪૦૦૦૦ કરોડની લોન માફ કરી હોવાનો દાવો રાહુલે કર્યો હતો.

(7:38 pm IST)