મુખ્ય સમાચાર
News of Friday, 19th April 2019

કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન

શ્રીનગર બેઠકના ૯૦ બુથ પર એક પણ મત ન પડયો

શ્રીનગર બેઠકમાં સૌથી અધિક ૩૧.૩ ટકા મતદાન ચરાર એ શરીફ બુથ પર

નવી દિલ્હી, તા. ૧૯ :. શ્રીનગરમાં લોકસભા ચૂંટણીના બહિષ્કારની પરિસ્થિતિ જોવાઈ રહી છે. શ્રીનગર સંસદીય બેઠક પર ગુરૂવારે થયેલા મતદાનમાં લગભગ ૯૦ મતદાન કેન્દ્રો પર એક પણ મતદારે મતદાન નહોતુ કર્યુ. ૯૦માંથી મોટાભાગના બુથ શ્રીનગરના મેઈન ઈલાકામાં આવેલા હતા. શ્રીનગર લોકસભા બેઠક હેઠળ ૮ વિધાનસભા બેઠકો આવે છે. સૂત્રોએ જણાવ્યુ કે મતદાન કેન્દ્રોમાં એક પણ મત નહોતો પડયો તે ઈદગાહ, ખનયાર, હબ્બાકદલ અને બટમાલુ વિસ્તારોમાં આવેલા છે.

સોનાવર વિધાનસભા ક્ષેત્ર જ્યાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લા અને ઉંમર અબ્દુલ્લાએ મતદાન કર્યુ હતુ તેના સિવાયના બાકીના સાત વિધાનસભા ક્ષેત્રોમાં મતદાનની ટકાવારી એક આંકડામાં રજીસ્ટર થઈ હતી. ઈદગાહ વિધાનસભા ક્ષેત્રમાં ૩.૩ ટકા, સોનાવર વિધાનસભા ક્ષેત્રમાં ૧૨ ટકા મતદાન રેકોર્ડ થયુ હતું. બાજુનો ગંદરેબલ જીલ્લો, જે શ્રીનગર લોકસભા બેઠકમાં જ આવે છે ત્યાં ૨૭ મતદાન કેન્દ્રોમાં કોઈએ વોટ નહોતો નાખ્યો.

બડગામના ૧૩ મતદાન કેન્દ્રોમાં કોઈ મતદાન કરવા નહોતુ આવ્યું. બડગામ વિસ્તારના ચડૂરામાં પાંચ વિધાનસભા વિસ્તારોમાં સૌથી ઓછું ૯.૨ ટકા મતદાન થયુ હતુ. જ્યારે ચરારે શરીફમાં સૌથી વધારે ૩૧.૧ ટકા મતદાન થયું.

શ્રીનગર લોકસભા વિસ્તારમાં ૧૨,૯૫,૩૦૪ મતદારો છે અને ૧૭૧૬ મતદાન કેન્દ્રો છે. નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લા શ્રીનગર બેઠક પર ઉમેદવાર છે. તેઓ ગઈ ચૂંટણીમાં આ બેઠક પરથી જીત્યા હતા.

આ બેઠક પર પીડીપીના આગા સૈયદ મોહસીન, ભાજપાના ખાબિદ જહાંગીર અને પીપલ્સ કોન્ફરન્સના ઈરફાન અંસારી અન્ય ઉમેદવારો છે. નેશનલ કોન્ફરન્સની સહયોગી એવી કોંગ્રેસે શ્રીનગર બેઠક પર પોતાનો કોઈ ઉમેદવાર  ઉભો  નથી રાખ્યો

(12:18 pm IST)