મુખ્ય સમાચાર
News of Thursday, 19th April 2018

કેન્‍દ્ર સરકારે કોમર્શિયલ હેતુઓ માટે ઉપયોગમાં લેતા વાહનોના કોમર્શિયલ લાયસન્‍સની જરૂરિયાતનો અંત લાવી દીધો

નવી દિલ્હીઃ કેન્‍દ્ર સરકારે કોમર્શિયલ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા વાહનો માટે કોમર્શિયલ લાયસન્‍સની જરૂરિયાત ઉપર પૂર્ણવિરામ મુકી દીધો છે.

સરકારે ટેક્સી, રિક્ષા અને ફૂડ ડિલિવરી કરતા ટૂ-વ્હિલર્સ સહિતના કોમર્શિયલ હેતુસર ઉપયોગમાં લેવાતા વાહનો માટે કોમર્શિયલ લાઇસન્સની જરૂરીયાતનો અંત લાવી દીધો છે, કોમર્શિયલ હેતુ માટે પર્સનલ લાઇસન્સનો પણ ઉપયોગ કરી શકાશે. જો કે ટ્રક, બસ અને અન્ય હેવી કોમર્શિયલ વ્હિકલ્સ માટે કોમર્શિયલ લાઇસન્સની જરુરીયાત યથાવત રહેશે.

જુલાઇ 2017માં સુપ્રીમ કોર્ટે આપેલા ઓર્ડરનું પાલન કરતાં સોમવારે રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ એક એડવાઇઝરી ઇસ્યૂ કરી હતી. એક એધિકારીએ કહ્યું કે, આ પગલાથી લાખો ડ્રાઇવર્સ માટે રોજગારી વધારવાની સારી તક મળી રહી છે. કોઇપણ કોમર્શિયલ વાહનને ચલાવવા માટે અત્યાર સુધી કોમર્શિયલ લાઇસન્સ ફરજિયાત હતું. પ્રાઇવેટ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યા બાદ સામાન્ય રીતે કોમર્શિયલ લાઇસન્સ મેળવવા માટે લોકોએ 1 વર્ષ સુધી રાહ જોવી પડતી હતી.

અધિકારીએ કહ્યું કે, “આ પગલાંથી ટ્રાન્સપોર્ટ કે કોમર્શિયલ લાઇસન્સ કઢાવવા માટેની પ્રક્રિયામાં થતા ભ્રષ્ટાચારનો પણ અંત આવશે.આગળ કહ્યું કે આ નિર્ણયને કારણે ટેક્સી, ઇ-રિક્ષા અને થ્રિ-વ્હિલર્સની સંખ્યામાં વધારો થશે અને પ્રાઇવેટ વાહન પરની નિર્ભરતામાં ઘટાડો થશે જેથી રોડ પર ટ્રાફિક જામની સમસ્યા વધી જશે.

ગયા વર્ષે એક અરજી પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “ટ્રાન્સપોર્ટ વ્હિકલનો ડ્રાઇવર પર્સનલ લાઇસન્સ ધરાવતો હોય તો અલગથી કોમર્શિયલ લાઇસન્સ કઢાવવાની કોઇ જરૂર નથી. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ તમામ રાજ્યો માટે જાહેર કરેલ એડવાઇઝરીમાં કહ્યું હતું કે મિડિયમ/હેવી ગુડ્સ અને પેસેન્જર વાહનો માટે જ અલગથી એન્ડોર્સમેન્ટની જરૂર પડશે, તે સિવાયના અન્ય એકેય કોમર્સિયલ વાહનો માટે કોમર્શિયલ લાઇસન્સની જરૂરીયાત નહીં રહે.

(6:22 pm IST)