મુખ્ય સમાચાર
News of Thursday, 19th April 2018

રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘની પુનામાં મળેલી રાષ્‍ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં જ્ઞાતિ આધારિત રાજકારણ દેશને કેટલુ નુકસાન કરે છે તે વિષય ઉપર ચિંતન કરાશે

નવી દિલ્હીઃ એટ્રોસિટી એક્ટના વિરોધમાં દલિત સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને દેશભરમાં દલિતોએ વિરોધ વંટોળ કર્યા બાદ જ્ઞાતિ આધારિત રાજકારણની ભારે ચર્ચા જાગી છે ત્‍યારે જ્ઞાતિ આધારિત રાજકારણ દેશને કેટલુ નુકસાન કરે છે તે ઉપર રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ ચિંતન કરશે.

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠક પુના નજીકના કોળવણ ગામમાં મળી છે. રાષ્ટ્રિયકાર્ય કારિણીની બેઠક 17 એપ્રિલથી શરૂ થઇ છે અને 21 એપ્રિલના રોજ પુરી છે. આ બેઠકમાં આરએસએસના સમગ્ર માળખાના હોદ્દેદારો ભાગ લઇ રહ્યા છે. સંઘના ડો. મનમોહન વૈદ્યએ જણાવ્યું કે, આ પ્રકારની બેઠક અગિયાર વર્ષે એક વખત મળે છે. છેલ્લે આ પ્રકારની બેઠક 2007માં મળી હતી અને હવે પુના નજીક મળી છે. આ બેઠક પાછળ કોઇ રાજકીય ઉદ્દેશ્ય નથી. આ મિટીંગના મુદ્દાઓ સમાજને લગતા છે. 2019ની ચુંટણીને લગતા નહીં. ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે, ભારત માતાના મૂળીયા કઇ રીતે મજબૂત કરવા અને જ્ઞાતિ આધારિત રાજકારણના ભયસ્થાનો વિશે વાત કરવી.

ઉલ્લેખનીય છે કે, આખા દેશમાં એપ્રિલ મહિનામાં સુપ્રિમ કોર્ટા દ્વારા એટ્રોસિટી એક્ટ મામલે આપેલા ચુકાદાના વિરોધમાં દલિતો દ્વારા મોટા પાયે પ્રદર્શનો કરવામાં આવ્યાં. ક્યાંક હિંસાઓ પણ થઇ. દલિતોના આ દેખાવોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં સૌથી વધારે જોવા મળ્યા હતા. આ તમામ રાજ્યોમાં ભાજપ સત્તા ઉપર છે. કેન્દ્ર સરકારે આ મામલે સુપ્રિમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી છે.

વૈદ્યએ વધુમાં જણાવ્યું કે, અમે દેશને એક તાંતણે બાંધવાનો પ્રયાસ કરીએ છીએ અને બીજી તરફ કેટલાક તત્વો ડો. આંબેડકરના નામનો ઉપયોગ કરી દેશમાં ભાગલા પાડવા માંગે છે. જે દુખદ છે. જે લોકો ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે તે રાજકીય પ્રેરિત છે. અગાઉ ઘણી સરકારોએ સંઘના વિકાસ આડે રોડા નાંખવાનું કામ કર્યુ હતું આમ છતા સંઘનો વિકાસ થતો જ રહ્યો અને વધુને વધુ લોકો તેમા જોડાઇ રહ્યાં છે.

(5:51 pm IST)