મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

પતિ-પત્ની વચ્ચેની તકરારમાં બાળકોનું ભવિષ્ય બગડતું અટકાવોઃ અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા NRI દંપતિને સુપ્રિમ કોર્ટનો આદેશઃ ૨ બાળકોને લઇ ભારત આવતી રહેલ મહિલાને સમાધાન કરી પરત યુ.એસ.જતા રહેવા અથવા બંને બાળકો પતિને સોંપી દેવા સુપ્રિમ કોર્ટનો હુકમ

ન્યુ દિલ્હીઃ અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા ભારતના આંધ્રપ્રદેશના વતની દંપતિ વચ્ચે ચાલતી તકરારનો ચૂકાદો આપતા સુપ્રિમ કોર્ટએ બંને બાળકોને લઇ ભારત આવતી રહેલ મહિલાને પરત યુ.એસ.જઇ પતિ સાથે સમાધાન કરી લેવા હુકમ કર્યો છે. અને જો તે ભારતમાં જ રહેવા માંગતી હોય તો તેના બંને બાળકો યુ.એસ.રહેતા પતિને સોંપી દેવા આદેશ કર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીય મૂળના દંપતિ વચ્ચે તકરાર થતાં મહિલા તેના પતિથી ૨૦૧૬ની સાલમાં સાત વર્ષીય પુત્ર તથા પાંચ વર્ષીય પુત્રીને લઇ અલગ થઇ ગઇ હતી. આ બંને સંતાનોનો કબ્જો સોંપી દેવા મહિલાના પતિએ યુ.એસ.કોર્ટમાં અરજી કરી હતી. જેનો ચુકાદો આવે ત્યાર પહેલા ૨૦૧૭ની સાલમાં પત્ની બંને બાળકોને લઇ ભારત આવતી રહી હતી.

યુ.એસ.કોર્ટએ બંને બાળકો પતિ પાસે રહે તેવો ચુકાદો આપતા મહિલા આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં ગઇ હતી. ત્યાં પણ બાળકો પતિને સોંપી દેવાનો ચૂકાદો આવતાં સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જેના અનુસંધાને નામદાર કોર્ટએ મહિલાને પોતાના બાળકોના હિતને ધ્યાને લઇ પોતે પણ બંને બાળકો સાથે અમેરિકા જતી રહે તેવો અનુરોધ કર્યો હતો. તથા તે માટેની તમામ ખર્ચ પતિ આપે તેવો હુકમ કર્યો હતો. તેમ છતાં જો મહિલા યુ.એસ. જવા સંમત ન હોય તો ૬ સપ્લાહમાં બંને બાળકો આંધપ્રદેશ કોન્સ્યુલેટ જનરલ કચેરીને સોંપી દેવાનો હુકમ કર્યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:41 pm IST)