મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

મોઝામ્બિકના ઇડાઇ વાવાઝોડામાં અસરગ્રસ્‍તોની મદદ માટે ભારતીય નૌકાદળના ૩ યુદ્ધ જહાજો તૈનાત

નવી દિલ્હી: મોઝામ્બિકમાં આવેલા ઇડાઇ વાવાઝોડામાં ઇજાગ્રસ્ત લોકોની માનવીય મદદ માટે ભારતીય નૌકાદળે તેમના ત્રણ યુદ્ધ જહાજોને મોકલવાનો નિર્ણય કર્યો છે. નિર્ણયના અંતર્ગત ભારતીય નૌકાદળે તેમના આઇએનએસ સુજાતા, આઇએનએસ શાર્દૂલ અને આઇએનએસ શારથીને મોઝામ્બિકની તરફ રવાના કરી દીધા છે. આ ત્રણે યુદ્ધ જહાજ મોઝામ્બિકના પોર્ટ સિટી બીરામાં તૈનાત કરવામાં આવશે. ભારતીય નૌકાદળે તેમના આ જહાજોમાં ત્રણ ડોક્ટર અને પાંચ નર્સ સહિત મોટી સખ્યાંમાં દવાઓ પણ મોઝામ્બિક મોકલી છે. જેનાથી દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મદદ મળી શકે.

ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રિપબ્લિક ઓફ મોઝામ્બિકના અનુરોધને સ્વિકાર કરતા ત્રણ નેવલ જહાજોને મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મોઝામ્બિકમાં આવેલા ચૌથી કેટેગરીના ટ્રોપિકલ સાયક્લોન ઇડાઇને મધ્ય અને ઉત્તર ભાગમાં મોટા પ્રમાણમાં વિનાશ સર્જ્યો છે. સૂત્રોનું માનીએ તો અત્યાર સુધીમાં આ વિનાશમાં 1000થી વધારે લોકોના મોત થયા છે અને લગભગ 1000થી વધારે લોકો ગુમ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે મોઝામ્બિકમાં આવેલા આ વાવાઝોડાથી એક લાખથી વધારે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. હજારોની સંખ્યામાં એવા લોકો છે જે મદદની આશામાં તેમના ઘરોની છતમાં રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલી ટીમોની રાહ જોઇ રહ્યાં છે.

ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકામાં મોઝામ્બિકમાં થયેલા આ મોટા વિનાશને જોઇને નૌકાદળે માનવીય મદદ માટે તેમણે આ પગલું ઉઠાવ્યું છે. ભારતીય નૌકાદળે તેમના યુદ્ધ જહાજોની મદદથી ભોજન, કપડા, દવાઓ સહિતના અન્ય રાહત સામગ્રીને મોઝામ્બિક માટે રવાના કરી છે. રાહત સામાગ્રીની સાથે સ્થાનીક લોકોને તાત્કાલીક મેડિકલ હેલ્પ આપવા માટે નૌકાદળે 3 ડોક્ટર અને 5 નર્સની ટીમને પણ મોઝામ્બિક માટે રવાના કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલી તક નથી જ્યારે ભારતે મોઝામ્બિકવાસીઓની મદદ માટે આગળ આવ્યા છે. આ પહેલા પણ 2017માં અનાજના સંકટથી લડી રહેલા મોઝામ્બિકવાસીઓ માટે ભારતે 10 મિલિયન ડોલરની સહાયતા પ્રદાન કરી હતી.

(4:42 pm IST)