મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

નહિ સુધરે પાકિસ્તાન

હવે પાકિસ્તાન ખીજ ઉતારવા લાગ્યું રાજદ્વારીઓ ઉપર

પાકિસ્તાન સ્થિત ભારતીય રાજદ્વારીઓને હેરાન કરવાનું શરૂ કર્યું: ભારતે તપાસની માંગ કરી

નવી દિલ્હી તા.૧૯: બાલાકોટમાં વાયુુસેનાની એરસ્ટ્રાઇક પછી અકળાયેલા પાકિસ્તાન હવે ભારતીય રાજદુતોને હેરાન કરવા લાગ્યું છે. પાકિસ્તાનમાં ભારતીય દુતાવાસના અધિકારીઓને પરેશાન કરવા અને તેમનો આક્રમક રીતે પીછો કરવાના બનાવો અંગે ભારતીય દુતાવાસે પાકિસ્તાન વિદેશ મંત્રાલયને પત્ર લખીને તપાસની માંગ કરી છે. જેમાં અધિકારીઓને સુરક્ષાની ખાતરી આપવાની માંગ કરાઇ છે.

ભારતીય દુતાવાસોની જાસુસી કરવા અને તેમને અલગ-અલગ રીતે પરેશાન કરવાની ઘટનાઓનો સીલસીલાવાર ઉલ્લેખ કરતા ભારતે પોતાનો સખ્ત વિરોધ વ્યકત કર્યો છે. સુત્રોએ જણાવ્યું છે કે પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયુકત અને ઉપ ઉચ્ચાયુકત સહિત ઘણા અધિકારીઓનો પીછો કરવો, અયોગ્ય રીતે નજર રાખવી, ખોટાફોન કોલ વગેરે પ્રકારની ડઝનથી વધારે ઘટનાઓ ચાર દિવસમાં થઇ છે.

સુત્રો અનુસાર ૮ માર્ચથી ૧૧ માર્ચ દરમ્યાન સતત આક્રમક રીતે ભારતીય ઉચ્ચાયુકત, ઉપઉચ્ચાયુકત, ફર્સ્ટ સેક્રેટરી અને ભારતીય દુતાવાસના બીજા અધિકારીઓનો પીછો કરવામાં આવ્યો હતો. પત્રમાં પાકિસ્તાનની એજન્સીના બે લોકો દ્વારા નિયમિત રીતે ભારતીય રાજદુતોનો પીછો કરવાનો ઉલ્લેખ કરાયો છે.

સુત્રોએ કહયું કે અમે ભારતીય રાજદુતોનો પીછો કરવામાં વપરાયેલી ગાડીઓની માહિતી પણ પાકિસ્તાન વિદેશ મંત્રાલયને આપી છે. આ ઉપરાંત અયોગ્ય રીતે દબાવ દ્વારા માહિતી મેળવવાનો આક્ષેપ પણ લગાવાયો છે. આ ઉપરાંત ભારતીય દુવતાવાસના બે કર્મચારીઓને સતત ખોટા ફોન કોલ દ્વારા હેરાન કરવામાં આવે છે.

(3:49 pm IST)