મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

પ્રિયંકા ગાંધી ક્રિશ્ચીયન હોવાથી મંદિરમાં પ્રવેશ ન આપવો જોઇએઃ સંતોએ લખ્યો યોગી આદિત્યનાથને પત્ર

પ્રિયંકાના કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજાના કાર્યક્રમનો વિરોધ

: નવભારત ટાઇમ્સમાં છપાયેલ એક સમાચાર પ્રમાણે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજાના કાર્યક્રમ બાબતે વિવાદ ઉભો થયો છે. કેટલાક લોકોનું કહેવંુ છે કે પ્રિયંકા ઇસાઇ છે એટલે તેને મંદિરમાં પ્રવેશ ન મળવો જોઇએ.

વારાણસીના કેટલાક સંતો પણ પ્રિયંકાના મંદિર પ્રવેશના વિરોધમાં છે. આ બાબતે તેમણે જિલ્લા પ્રશાસનને એક પત્ર લખીને વાંધો ઉઠાવ્યો છે. તેમના પ્રવકતા કમલેશચંદ્ર ત્રિપાઠીએ વારાણસીના જિલ્લાધિકારી દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને આ અંગે એક પત્ર મોકલ્યો છે.આ પત્રમાં પ્રિયંકાને કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રવેશતા રોકવાની અપીલ કરવામાં આવી છે. જિલ્લાધિકારીએ આ ચિઠ્ઠીને ધ્યાનમાં લઇને મંદિર પ્રશાસનને જરૂરી કાર્યવાહીની સુચના આપી છે.

ગંગા મહાસભામાં રાષ્ટ્રીય મહામંત્રી જીતેન્દ્રાનંદે પણ પ્રિયંકાના મંદિરમાં જવાના કાર્યક્રમનો વિરોધ કર્યો છે. તેમણે કહયું કે જો પ્રિયંકા ગાંધી ખરેખર હિંદુ ધર્મમાં આસ્થા ધરાવતા હોય તો તેમણે પોતે હિંદુ છે એવું સોગંદનામું લખીને આપવું જોઇએ.

પૂર્વ ઉતર પ્રદેશના કોંગ્રેસ પ્રભારી પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત ગાંધી પરિવારના પૈતૃક શહેર પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદથી કરશે. ૧૮ થી ૨૦ માર્ચ સુધી તે પ્રયાગરાજથી વારાણસી વચ્ચે ગંગા નદીમાં જળયાત્રા કરશે અને આ દરમ્યાન તેમના જનસંપર્ક અને બીજા ઘણા કાર્યક્રમો રખાયા છે. તેમના નિશ્ચિત કાર્યક્રમોમાં કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા પણ શામેલ છે.

(3:27 pm IST)