મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

વિકાસ તો થયો જ છે પ્રજાનો નહિ પણ પ્રજાના પ્રતિનિધિઓનો

૫ વર્ષમાં ૧૫૩ સાંસદો માલામાલઃ ''ઉગ્યા પૈસાના ઝાડવા''

સંપત્તિમાં ૧૪૨ ટકાનો વધારો: ૨૦૦૯માં જે ૧૫૩ સાંસદોની સંપત્તિ સરેરાશ રૂ. ૫.૫૦ હતી જે ૨૦૧૪માં વધીને ૧૩.૩૨ કરોડ થઈ ગઈઃ યાદીમાં ૭૨ સાંસદો સાથે ભાજપ પ્રથમ, ૨૮ સાંસદો સાથે કોંગ્રેસ, એઆઈટીસીના ૧૩ તો બીજેડીના ૧ સાંસદ છેઃ શત્રુઘ્ન સિંહા અને સુપ્રિયા સુલેની સંપત્તિ સૌથી ઝડપથી વધી

નવી દિલ્હી, તા. ૧૯ :. દેશમાં જ્યાં આમઆદમીની સંપત્તિ વર્ષે ૫ થી ૧૦ ટકાની ધીમી રફતારથી વધે છે તો આપણા 'અનનીયો'ની સંપત્તિ દિવસે બમણીને રાત્રે ચાર ગણી વધતી હોય છે. ખુદને જનસેવક ગણાવતા ૫૪૩ સાંસદોમાંથી ૨૦૧૪માં કુલ ૧૫૩ નેતા ફરીથી ચૂંટાઈને સંસદમાં આવ્યા પણ માત્ર ૫ વર્ષમાં આ નેતાઓ જે રીતે માલામાલ થયા છે તે જોઈને સૌને કહેવાનું મન થાય છે કે તેમને ત્યાં પૈસાના ઝાડ ઉગ્યા છે. તેમની સંપત્તિ ૫ વર્ષમાં અનેક ગણી વધી છે. આ અમે નથી કહેતા પણ ખુદ નેતાલોગ કહે છે. નામાંકન વખતે તેમણે જે વિગતો ચૂંટણી પંચને સોંપી હતી તેનું વિશ્લેષણ ઈલેકશન વોચ અને એડીઆર એ કર્યુ હતું. એડીઆરના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૦૯થી લઈને ૨૦૧૪ સુધી આ નેતાઓ તરફથી આપવામાં આવેલા સોગંદનામા તપાસીએ તો આ નેતાઓની સંપત્તિમાં અનેકગણો વધારો થયો છે.

૨૦૧૪ ફરીથી ચૂંટાયેલા ૧૫૩ સંસદ સભ્યોની સરેરાશ સંપત્તિમાં ૧૪૨ ટકાનો વધારો નોંધાયો છે અને સંસદ સભ્યોની સરેરાશ સંપત્તિ ૧૩.૩૨ કરોડ રૂપિયા થઈ છે. આ યાદીમાં શત્રુઘ્ન સિંહા, પિનાકી મિશ્રા અને સુપ્રિયા સુલે ટોચ પર છે. ઈલેકશન વોચ અને એસોસીએશન ઓફ ડેમોક્રેટીક રિફોર્મ્સ (એડીઆર) અનુસાર પાંચ વર્ષોમાં (૨૦૦૯થી ૨૦૧૪) ૧૫૩ સંસદ સભ્યોની સરેરાશ સંપત્તિ વૃદ્ધિ ૭.૮૧ કરોડ રૂપિયા હતી.

અભ્યાસમાં જાણવા મળ્યું કે આ સંસદ સભ્યોની વર્ષ ૨૦૦૯માં સરેરાશ સંપત્તિ ૫.૫૦ કરોડ રૂપિયા હતી. જે બમણાથી વધીને ૧૩.૩૨ કરોડ રૂપિયા થઈ હતી. સંસદ સભ્યોમાં સૌથી વધારે સંપત્તિ વૃદ્ધિ ભાજપાના સાંસદ શત્રુઘ્ન સિંહાની થઈ. ૨૦૦૯માં તેની સંપત્તિ લગભગ ૧૫ કરોડ રૂપિયા હતી. જે ૨૦૧૪માં વધીને ૧૩૧ કરોડ રૂપિયા થઈ ગઈ. બીજુ જનતા દળ (બીજદ)ના પિનાકી મિશ્રાની સંપત્તિ ૧૦૭ કરોડ રૂપિયાથી વધીને ૧૩૭ કરોડે પહોંચી જ્યારે ત્રીજા સ્થાને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષની સુપ્રિયા સુલે છે જેની સંપત્તિ ૫૧ કરોડથી વધીને ૫ વર્ષમાં ૧૧૩ રૂપિયા થઈ ગઈ હતી.

આ યાદીમાં ટોચના ૧૦ સાંસદોમાં શિરોમણી અકાલી દળની હરસિમરત કૌર બાદલ છઠ્ઠા સ્થાને અને ભાજપાના વરૂણ ગાંધી ૧૦માં સ્થાન પર છે. વરૂણે ૨૦૦૯માં પોતાની સંપત્તિ ૪ કરોડ રૂપિયા દર્શાવી હતી જે ૨૦૧૪માં વધીને ૩૫ કરોડ રૂપિયા થઈ ગઈ. પક્ષવાર જોવામાં આવે તો ભાજપાના ૭૨ સાંસદોની સંપત્તિમાં સરેરાશ ૭.૫૪ કરોડનો વધારો થયો જ્યારે કોંગ્રેસી સાંસદોની સંપત્તિમાં સરેરાશ ૬.૩૫ કરોડનો ઉછાળો આવ્યો. રાહુલ ગાંધીની સંપત્તિ ૨૦૦૯માં બે કરોડ હતી જે ૨૦૧૪માં સાડા ત્રણ ગણી એટલે કે ૭ કરોડ થઈ હતી.

(12:27 pm IST)