મુખ્ય સમાચાર
News of Monday, 18th March 2019

ન્યુઝીલેન્ડ નરસંહાર : લોકો હજુય આઘાતમાં ડૂબેલા છે

મેમોરિયલ સ્થળો ઉપર શ્રદ્ધાંજલિ-મૌન કાર્યક્રમ : મોતનો આંકડો વધીને ૫૦ થયો : ફોરેન્સિક તપાસ ટીમો સક્રિય : ૩૪ લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ક્રાઇસ્ટચર્ચ, તા. ૧૭ : ન્યુઝીલેન્ડમાં બે મસ્જિદોમાં નરસંહારની ઘટનાના એક દિવસ બાદ ન્યુઝીલેન્ડમાં અજંપાભરી સ્થિતિ રહી હતી. ન્યુઝીલેન્ડમાં લોકો મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તથા મૌન પાળવા માટે મેમોરિયલ સ્થળ ઉપર પહોંચ્યા હતા. બીજી બાજુ વધુ એકના મોત સાથે મોતનો આંકડો વધીને આજે ૫૦ ઉપર પહોંચ્યો હતો. હત્યાકાંડની આ ઘટનાને લઇને હજુ પણ આઘાતમાંથી બહાર આવ્યા નથી. ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે. ગઇકાલે બે મસ્જિદમાં અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હવે પરિપૂર્ણ કરી લેવામાં આવી છે. બીજી બાજુ ન્યુઝીલેન્ડના સત્તાવાળાઓના કહેવા મુજબ ૩૪ લોકો હજુ પણ સારવાર હેઠળ છે જે પૈકી કેટલાક લોકો હજુ પણ ગંભીર જણાવવામાં આવ્યા છે. અનેક દેશોના નાગરિકોના આમા મોત થયા છે જેમાં ભારતના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ન્યુઝીલેન્ડમાં નરસંહારની આ ઘટના બાદ કેટલાક નવા નિયમો પણ બનાવવામાં આવી રહ્યા છે. લોકોમાં વ્યાપક દહેશત દેખાઈ રહી છે. હત્યારાએ જામીન નહીં લેવાની વાત કરી છે જેથી કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. ધરપકડ કરવામાં આવેલા અન્ય એક વ્યક્તિને સોમવારના દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. આજે ન્યુઝીલેન્ડમાં આઘાતનું મોજુ જોવા મળ્યું હતું. શ્રદ્ધાંજલિનો દોર પણ ચાલ્યો હતો. દુનિયાના જુદા જુદા દેશોમાં રહેતા લોકોએ તેમના પરિવારને લઇને માહિતી મેળવવાના અવિરત પ્રયાસો જારી રાખ્યા છે. ન્યુઝીલેન્ડ સરકાર મૃતકોને તેમના સંબંધિત દેશોમાં મોકલવાની કવાયતમાં પણ લાગી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ પહેલો હુમલો અલ નુર મસ્જિદમાં કરવામાં આવ્યો હતો. ક્રાઇસ્ટચર્ચના પેટાનગર વિસ્તાર લિનવુડમાં એક મસ્જિદમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે હુમલાખોરે સતત ગોળીબાર કર્યો હતો. ગોળીબારના સમય પર બાંગ્લાદેશી ક્રિકેટ ટીમ પણ મસ્જિદમાં હતી.

 

 

(12:00 am IST)