મુખ્ય સમાચાર
News of Monday, 19th March 2018

બાબુજીની કવિતાઓ પર માલિકી હક ગુમાવવાની વાતથી ભડકયા બીગ બીઃ કહયુ, હું લડીશ

ભારતના કોપીરાઈટના કાયદાને ગણાવ્યો બકવાસઃ બ્લોગ પર વ્યથા ઠાલવી

મુંબઈઃ મેગા સ્ટાર અમિતાભ બચ્ચન ભારતમાં કોપીરાઈટના નિયમોને લઈને ઘણાં જ ગુસ્સે થયાં છે. ખાસ કરીને ત્યારે જયારે તેઓ પોતાના પિતા અને સુપ્રસિદ્ઘ કવિ હરિવંશરાય બચ્ચનની કવિતા પરથી તેમનો માલિકી હક ગુમાવી રહ્યાં છે. બીગ બીએ પોતાની વ્યથા બ્લોગ લખીને વ્યકત કરી છે. બીગ બીએ પોતાના બ્લોગમાં ૬૦ વર્ષ જૂનાં કોપીરાઈટ એકટ પર સવાલો ઉઠાવતાં તેને બકવાસ ગણાવ્યાં છે. ૧૯૫૭ના કોપીરાઈટ એકટ મુજબ મૌલિક સાહિત્ય, ડ્રામા, મ્યૂઝિકલ અને આર્ટિસ્ટ્રિક વર્કના મામલે આ નિયમ ઓથરના મોતના માત્ર ૬૦ વર્ષ સુધી લાગુ પડે છે. અમિતાભે આ કાયદાને બકવાસ ગણાવતાં કહ્યું કે, ''લેખકની રચનાઓ અમર હોય છે, જે તેમના મૃત્યુ પછી પણ બની રહે છે.''

ડો. હરિવંશરાય બચ્ચન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગયા હતા, તેમણે પ્રસિદ્ઘ સંગ્રહ સહિત અનેક કવિતાઓ લખી હતી. જેમાં મધુશાલા, અગ્નિપથ, રૂકે ન તૂ..., હિંમત કરને વાલો કી હાર નહીં હોતી. જેવી રચનાઓ જે મોટા ભાગના લોકોને શબ્દશ યાદ છે. હરિવંશરાય બચ્ચને શેકસપીયરના ઓથેલો, મેકબેથ અને ભગવદ ગીતાના હિન્દીમાં ભાષાંતર પણ કર્યું છે.

હરિવંશરાયે છેલ્લી કવિતા 'એક નવેમ્બર ૧૯૮૪ ' હતી, જેમાં તેમણે ૧૯૮૪ માં ઈન્દિરા ગાંધીની હત્યા અંગે લખ્યું હતું.

(4:50 pm IST)