મુખ્ય સમાચાર
News of Wednesday, 19th February 2020

ડેરી ક્ષેત્ર માટે કુલ ૪,૫૫૮ કરોડની સ્કીમ મંજુરી કરાઈ

કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં શ્રેણીબદ્ધ નિર્ણયો : ફસલ વીમા યોજનામાં જરૂરી સુધારાઓને મંજુરી અપાયા બાદ ખેડુત માટે સ્વૈચ્છિક થઈ : પ્રકાશ જાવડેકરની ઘોષણા

નવી દિલ્હી, તા.૧૯  : કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં મહત્વના નિર્ણયોને મંજુરી આપવામાં આવી હતી. આના ભાગરૂપે ફસલ વિમા યોજનામાં સુધારાને મંજુરી અપાઈ હતી. જેના ભાગરૂપે ફસલ વિમા યોજનાના મામલામાં ખેડુતો માટે સ્વૈચ્છિક કરવામાં આવી છે. સાથે સાથે ૨૨માં લો કમિશનની રચનાને મંજુરી આપવામાં આવી છે. ઉપરાંત ડેરી સેકટરને પ્રોત્સાહન આપવા માટે ૪૫૫૮ કરોડ રૂપિયાને મંજુરી આપવામાં આવી છે. આનાથી ૯.૫ મિલિયન ખેડુતો અથવા તો ૯૦ લાખ ખેડુતોને સીધો ફાયદો થઈ કે છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય અંગે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે ડેરી સેકટરને પ્રોત્સાહન આપવા માટે આજે ૪૫૫૮ કરોડ રૂપિયાની યોજનાને મંજુરી આપવામાં આવી છે.

           આનાથી ૯૦ લાખથી વધુ ખેડુતોને ફાયદો થશે. તેમણે કહ્યું હતું કે આ સ્કીમ આગામી સ્તર પર શ્વેતક્રાંતિ લાવી શકશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઈન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ હેઠળ લાભ બે ટકાથી વધારીને ૨.૫ ટકા કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે એક એમ્પાવર્ડ ટેકનોલોજી ગ્રુપની રચના કરવામાં આવશે જે મંત્રણાઓ, પીએસયુ અને ઈન્ડસ્ટ્રીમાં પોલિસીના સંદર્ભમાં જરૂરી સૂચન કરશે. સ્વચ્છ ભારતના બીજા તબક્કાની ટુંક સમયમાં શરૂઆત કરવામાં આવશે. જટિલ કાયદાકીય મુદ્દાઓ પર સરકારને સલાહકાર તરીકેની ભૂમિકામાં રહેનાર ૨૨માં લો કમિશનની રચનાને લીલીઝંડી આપવામાં આવી છે.

       ઓગસ્ટ ૨૦૧૯માં અગાઉની લો પેનલની અવધિ પરિપૂર્ણ થઈ ચુકી હતી. કેબિનેટની મંજુરીની સાથે જ કાયદા મંત્રાલય દ્વારા નવી પેનલના સંદર્ભમાં જાહેરનામું જારી કરવામાં આવશે. ત્યારબાદ ત્રણ વર્ષની અવધિ માટે તે લાગુ થઈ જશે. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આજે આસિસ્ટેન્ટ રીપ્રોડેક્ટીવ ટેકનોલોજી રેગ્યુલેશન બિલને પણ મંજુરી આપવામાં આવી હતી. કેન્દ્રિય કેબિનેટની આજે યોજાયેલી બેઠકમાં તમામ પાસા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ફસલ વીમા યોજનામાં કરવામાં આવેલા સુધારાને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ફસલ વીમા યોજના પહેલા ફરજિયાત હતી તેની જગ્યાએ હવે ખેડુતો માટે સ્વૈચ્છિક કરાઈ છે. ખેડુતોને આના કારણે વધારે બોજ રહેશે નહીં. જોકે મોટી જાહેરાત તરીકે ડેરી સેકટરને આપવામાં આવેલા ૪૫૫૮ કરોડ રૂપિયાની મંજુરીની રહી છે.

કેબિનેટના નિર્ણયો......

નવી દિલ્હી, તા.૧૯ : કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આજે કેટલાક નિર્ણયોને મંજુરી આપવામાં આવી હતી. આની સાથે જ ખેડુતો, ડેરી સેકટરને રાહત મળનાર છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો નીચે મુજબ છે.

*   ડેરી સેકટરને પ્રોત્સાહન આપવા ૪૫૫૮ કરોડની સ્કીમને કેબિનેટે મંજુરી આપી. જેના કારણે ૯.૫ મિલિયન અથવા તો ૯૦ લાખથી વધુ ખેડુતોને લાભ થશે.

*   ૨૨માં લો કમિશનની રચનાને લીલીઝંડી

*   ફસલ વીમા યોજનામાં સુધારાને મંજુરી અપાયા બાદ ખેડુતો માટે સ્વૈચ્છિક કરાઈ.

*   કેબિનેટ દ્વારા મંજુર કરવામાં આવેલા આસીસ્ટ રિપ્રોડક્ટીવ ટેકનોલોજી રેગ્યુલેશન બિલને સંસદમાં રજુ કરવામાં આવશે.

(7:50 pm IST)