મુખ્ય સમાચાર
News of Tuesday, 19th February 2019

બેંગ્લોર એર શો : બે વિમાન આકાશમાં જ ટકરાતા આગ

દુર્ઘટનામાં એક પાયલોટનું મોત : અન્ય બે સુરક્ષિત : રિહર્સલ દરમિયાન બે સૂર્યકિરણ વિમાનો ઉંડાણ પર હતા ત્યારે ટકરાઈ ગયા : જમીન પર પણ રહેલા લોકોને ઇજા

બેંગ્લોર, તા. ૧૯ : કર્ણાટકના પાટનગર બેંગ્લોરમાં મંગળવારના દિવસે એરશોના રિહર્સલ દરમિયાન બે વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયા હતા. આ બનાવમાં એક પાયલોટનું મોત થયું હતું જ્યારે બે લોકો સુરક્ષિતરીતે બચી ગયા હતા. આ બનાવથી ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. બનાવ બાદ બંને વિમાનોમાં આગ ફાટી નિકળી હતી. વિમાનોમાં આગ ફાટી નિકળ્યા બાદ દહેશત ફેલાઈ ગઈ હતી. બેંગ્લોર એરબેઝમાં આજે એરશોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા અભ્યાસવેળા પણ મોટી દુર્ઘટના ઘટી હતી. એર શોના આયોજનથી પહેલા ભારતીય હવાઈદળના વિમાન રિહર્સલ કરી રહ્યા હતા. રિહર્સલ દરમિયાન બે સૂર્યકિરણ વિમાન ઉંડાણ ભરવા માટે આગળ વધ્યા હતા. આ ગાળા દરમિયાન આકાશમાં જ આ બંને વિમાનો ટકરાયા હતા. બનાવ બાદ ઇજા પામેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમાથી એક પાયલોટનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અન્ય બેની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના એ વખતે થઇ હતી જ્યારે બંને વિમાનો ઉંડાણ ભરી ચુક્યા હતા. ફાયર સર્વિસ ડીજીપી એમએન રેડ્ડીએ કહ્યું હતું કે, બનાવમાં એક પાયલોટને ઇજા થયા બાદ સારવાર વેળા તેમનું મૃત્યુ થયુ હતું. સ્થાનિક સુત્રોના કહેવા મુજબ બે વિમાનો આકાશમાં ટકારાયા બાદ વિમાનનો કાટમાળ એરપોર્ટની નજીક શહેરી ક્ષેત્રમાં પડ્યો હતો જેથી જમીન ઉપર પણ નુકસાન થયું હતું. હાલમાં દુર્ઘટના માટેનું કારણ જાણી શકાયું નથી પરંતુ એમ કહેવામાં આવે છે કે, બંને વિમાનોમાં પરસ્પર ટક્કર થયા બાદ આ દુર્ઘટના થઇ હતી. ૧૯૯૬માં સૂર્યકિરણ ટીમની રચના કરવામાં આવી હતી. ત્યારબાદથી નિયમિતરીતે સૂર્યકિરણના પાયલોટો દિલધડક પરાક્રમો એર શો દરમિયાન દર્શાવતા રહે છે. આમા આ પ્રકારની ઘટના પ્રથમ વખત બનતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

(7:52 pm IST)