મુખ્ય સમાચાર
News of Tuesday, 19th February 2019

ભારતની આર્થિક નાકાબંધીથી પાકિસ્તાનમાં ખાદ્ય પદાર્થો મોંઘાદાટ બનશે

પાકિસ્તાન ખાંડ, ચા અને ટમેટાની મોટાપાયે ભારતમાંથી આયાત કરે છેઃ ઉપરાંત કાચો કપાસ, સૂતરના દોરા, ટાયર, રબર, ડાઇ સહિતની ૧૪ વસ્તુઓ પણ મુખ્યરૂપે મંગાવે છે

નવી દિલ્હી તા.૧૯: પુલવામા હુમલા બાદ ભારત પાકિસ્તાનને ચારેબાજુથી ઘેરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય દબાણની સાથો-સાથ પાકિસ્તાનને આર્થિક મોરચા ઉપર ગોઠણીયાભેર કરવા માટે પગલા ઉઠાવાઇ રહયા છે. આ કડીમાં ભારત સૌથી પહેલા મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત ખેંચ્યો હતો. ત્યારબાદ ઈસ્લામાબાદથી આવનારી તમામ ચિજ-વસ્તુઓ ઉપર ૨૦૦ ટકા ઇમ્પોર્ટ ડયુટી લગાડી દેવામાં આવેલ.

ઇમ્પોર્ટ ડયુટી લાગવાથી પાકિસ્તાનથી થતી નિકાસને કમરતોડ ફટકો પડશે. પાકિસ્તાન મુખ્યરૂપે ભારતને તાજા ફળ, ડ્રાયફ્રુટ, ખનીજ, તૈયાર ચામડા ઉત્પાદન ભારતમાં નિકાસ કરે છે. જેમાં સોથી વધુ તાજા ફળો અને સીમેન્ટ આયાત થાય છે. સાલ ૨૦૧૭-૧૮માં પાકિસ્તાનથી ભારતમાં ૪૮.૮૫ કરોડ ડોલરનું નિકાસ કરાયું હતું.

જયારે ભારત પાકિસ્તાન પાસેથી કુલ ૧૯ પ્રમુખ ઉત્પાદનો મંગાવે છે. જેમાં મુખ્યરૂપે તાજા ફળ, સીમેન્ટ, મોટા પાયે ખનીજ તથા અયસ્ક તૈયાર ચામડુ,પ્રસંસકૃત ખાદ્ય, અકાર્બનિક રસાયણ, કાચો કપાસ, મસાલા, ઉન, રબર ઉત્પાદન, આલ્કોહોલ, મેડીકલ ઉપકરણ, દરિયાઇ સામાન, પ્લાસ્ટીક અને રમત-ગમતના સાધનોનો સમાવેશ થાય છે. તાજા ફળોમાં અમરૂદ, કેરી અને અનાનસ ભારત મંગાવે છે. પાકિસ્તાનમાંથી આવનાર ડયુટી ફ્રિ સીમેન્ટના આયાત ઉપર સૌથી વધુ અસર પડશે.

ભારતથી પાકિસ્તાન ખાંડ, ચા, ઓઇલ કેક, પેટ્રોલીયમ ઓઇલ, કાચો કપાસ, સૂતરના દોરા, ટાયર, રબર ડાઇ, રસાયણ સહિત ૧૪ વસ્તુઓ પ્રમુખ રૂપે નિકાસ થાય છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ભારતે લગભગ ૪૬ લાખ ડોલરની ખાંડ સરહદ પાર નિકાસ કરેલ. ટી બોર્ડના આંકડાઓ મુજબ ૨૦૧૮માં પાકિસ્તાનમાં કુલ ૧.૫૮ કરોડ કિલો ચા નિકાસ કરાય હતી. જે ગત વર્ષથી ૭.પ ટકા વધુ હતી. ઉપરાંત પાકિસ્તાન દ્વારા મોટા પાયે ટમેટાની પણ ભારતમાંથી આયાત કરાઇ છે.

આંકડાઓ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે રોડ માર્ગે ૧૩૮ વસ્તુઓનું ઇમ્પોર્ટ-એકસપોર્ટ થાય છે. જયારે જમ્મુ-કાશ્મીર, વાઘા બોર્ડરથી દરરોજ ૫૦-૬૦ ટ્રકોનું આવાગમન રહે છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે કુલ દ્વીપક્ષીય વેપારમાં ૨૦૧૭-૧૮માં ૨.૪૧ અરબ ડોલરનો મામુલી વધારો થયેલ. જે ૨૦૧૬-૧૭માં ૨.૨૭ અરબ ડોલર હતો. ભારતે ૨૦૧૭-૧૮માં ૪૮.૮૫ કરોડ ડોલરનો સામાન પાકિસ્તાનથી ઇમ્પોર્ટ કરેલ, જયારે ૧.૯૨ અરબ ડોલરની ચીજ વસ્તુઓ નિકાસ કરેલ. ભારતની આર્થિક નાકાબંધીથી પાકિસ્તાનમાં ખાવા સહિતની અનેક ચીજો મોંઘીદાટ બનશે.(૧.૩૫)

 

(3:32 pm IST)