મુખ્ય સમાચાર
News of Tuesday, 19th February 2019

ખેડૂતોને વ્યાજ સહાય એક સાથે આપવા ૫૦૦ કરોડનું રીવોલ્વીંગ ફંડ

દેશના કૃષિ અર્થતંત્રમાં ગુજરાતનો ફાળો ૭.૩૦ ટકાઃ ગૌરવ અનુભવતા નીતિન પટેલ : હાલોલમાં ઓર્ગેનિક યુનિવર્સિટી સ્થપાશેઃ ૬૧૭૪ ગામો અસરગ્રસ્તઃ ૧૫૫૭ કરોડની ઇનપુટ સહાય

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.૧૯: ઓછા વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો માટે અત્યાર સુધીમાં સૌથી ઉદાર રાહત અને સહાય પેકેજ શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી અમારી ખેડૂતલક્ષી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે. આ વર્ષે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ઓછો થયો હતો. તેથી ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અમારી સરકારે ખૂબ જ ઉદાર નીતિ અપનાવીને ૯૬ તાલુકાઓના ૬૧૭૪ ગામો અસરગ્રસ્ત જાહેર કરેલ છે. તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ ગૃહમાં જણાવ્યુ હતું.

આ ૯૬ તાલુકાઓમાં ૧૬.૨૭ લાખ ખેડૂતોને રૂ.૧૫૫૭ કરોડની ઇનપૂટ સહાયની ચુકવણી કરવામાં આવેલ છે.

૪૪૩ પાંજરાપોળ અને ગૌશાળાના ૨.૬૦ લાખ પશુઓ તેમજ ૨૭૦ ઢોરવાડા-કેટલ કેમ્પમાં આવેલ ૧.૬૨ લાખ પશુઓ માટે પશુદીઠ દૈનિક રૂ.૩૫ની સહાય આપવામાં આવે છે. જે અન્વયે અત્યાર સુધીમાં રૂ.૪૦.૮૪ કરોડની સહાય ચુકવવામાં આવેલ છે.

અછતગ્રસ્ત જાહેર કરેલ તાલુકાઓમાં પશુપાલકોને સુકું ઘાસ રૂ.૨ પ્રતિ કિલોગ્રામના રાહત દરે આપવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૬.૮૪ કરોડ કિલોગ્રામ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે.

વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક બચાવવા પ્રતિદિન ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી આપવામાં આવેલ હતી. જેના કારણે રાજ્ય સરકાર ઉપર વર્ષ ૨૦૧૮-૧૯માં વધારાનું રૂ.૪૩૬ કરોડનું ભારણ આવેલ છે.

ચાલુ વર્ષે રાજયના ૯૬ તાલુકાના ૨૩ લાખથી વધુ ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે રૂ.૨૨૮૫ કરોડના ખાસ સહાય પેકેજને અમલમાં મૂકેલ છે. આમ, અમારી સરકાર ખેડૂતોની પડખે હરહંમેશ ઊભી રહી છે.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૨૭ લાખથી વધુ ખેડૂતોનો અંદાજે ૫૩ લાખ હેકટર વાવેતર વિસ્તાર પાક વીમા યોજનામાં આવરી લેવામાં આવેલ છે.ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોએ મેળવેલ લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવે છે. ગુજરાતમાં ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપવામાં આવે છે. ખેડૂતોને મળતી વ્યાજસહાય એક સાથે અને સમયસર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૫૦૦ કરોડનું રિવોલ્વીંગ ફંડ ઊભું કરવામાં આવશે.

આધુનિક સાધનો દ્વારા ખેતી કરવા માટે ફાર્મ મિકેનાઇઝેશનને વધુ પ્રોત્સાહિત કરવા માટે છેલ્લા ત્રણ વર્ષમાં રૂ.૫૦૦ કરોડની સહાય ખેડૂતોને પૂરી પાડવામાં આવી છે.

ઓર્ગેનીક પોલિસી અંતર્ગત રાજયના ખેડૂતોને સજીવ ખેતીનું શિક્ષણ સંશોધન અને અદ્યતન ટેકનોલોજી મળી રહે તે માટે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિવર્સિટી સ્થાપવાની કાર્યવાહી હાથ ધરાવેલ છે.(૭.૫૭)

 

(3:22 pm IST)